News of Saturday, 31st October 2020
રાજકોટ : પૈસાના જોરે લોક તાંત્રિક રીતે ચૂંટાયેલા ધારાસભ્યોને રાજયસભાની ચૂંટણી જીતવા માટે ભાજપની સરકારે ભ્રષ્ટાચાર આચરી ભેગા કરેલા કાળા નાણાથી ધારાસભ્યોને ખરીદ્યા. જેનો કારણે આ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ આવી છે. પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી આ ભાજપની સરકાર માત્ર સત્તા અને નાણાના જોરે સત્તા ટકાવવા મથી રહી છે. ત્યારે આ તાયફાઓની સરકાર ઉપર પ્રહાર કરતાં ગાયત્રીબાએ જણાવ્યુ કે ચૂંટણી છે તે મુદ્દા આધારીત લડાતી હોય છે. પરંતુ ભા.જ.પ. સરકાર પાસે પોતાના શાસનમાં કોરોનાના કાળા કાળમાં જનતા પાસે જઈ મત માંગી શકાય એવો કોઈ મુદ્દો જ નથી. એટલા માટે ભાજપના પક્ષ પ્રમુખથી લઈ મંત્રીઓ ખોટો વાણી વિલાસ કરે છે અને જનતાને ગેરમાર્ગે દોરે છે.
મોંઘવારીના મારથી રાજયની જનતા પરેશાન છે. પેટ્રોલ - ડિઝલ ગેસના ભાવ વધારાએ ગરીબ અને મધ્યમ વર્ગની કેડ ભાંગી નાખી છે. લસણ, ડુંગળી, બટેટા, કઠોળ, તેલ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધારાથી આ રાજયની ગરીબ બહેનોના બે છેડા પણ ભેગા થતા નથી.
ગાયત્રીબા વાઘેલાએ વધુમાં જણાવેલ કે મોંઘવારીના મારથી આ રાજયની ગૃહિણીઓ પરેશાન છે. ૨ લાખ નોકરીઓની વાતો કરનારી રાજયની ભાજપની સરકાર બંધ થતા ધંધા - ઉદ્યોગો અને નાના વેપારીઓને રાહત આપવામાં નિષ્ફળ નિવડી છે.
બેરોજગારીનો ગ્રાફ ૩૦ વર્ષમાં સૌથી ઉંચી સપાટીએ છે. ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો કરનાર સરકાર ખેડુતોને ખેતપેદાશના પોષણક્ષમ ભાવ આપવામાં નિષ્ફળ નિવડી છે. રાહત પેકેજના નામે જનતાના ખાતામાં કે ખીસ્સામાં સરકારનું ફદીયુય જમા થયુ નથી અને ઉપરથી આ લૂંટારૂ સરકારે કયાંક માસ્કના નામે તો કયાંક હેલ્મેટના નામે તોતીંગ દંડ વસૂલી જનતાના ખિસ્સા ખાલી કર્યા છે.
કોરોના મહામારીના કારણે શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં ખાનગી શાળાઓએ વાલીઓને ફી ભરવા માટે પરેશાન કરી તોતીંગ ફી વસૂલી રહી છે. સરકાર આવા શિક્ષણ માફીયાઓની સાથે જઈ ઉભી છે.
બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરનાર ભાજપના રાજમાં રોજે રોજ મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે. આઠ વર્ષની બાળકીથી લઈ ૬૦ વર્ષની મહિલાઓ ઉપર રોજે રોજ કોઈને કોઈ દુષ્કર્મની ઘટના બને છે.
આ ભાજપના રાજમા ન તો મહિલાઓને મફત શિક્ષણ મળ્યુ, ન સુરક્ષા મળી, ન રોજગારી મળી કે ન મોંઘવારી ઓછી થઈ ત્યારે આ બધા જ મુદ્દાઓનો જવાબ ત્રણ તારીખે જનતા આપવાની છે અને ગદ્દારોની હાર થશે. સત્યનો વિજય થશે. એ વાત નિશ્ચિત છે. તેમ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ યાદીના અંતમાં જણાવ્યુ હતું.