Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મોરબી પેટાચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર ઝૂંબેશઃ ભાજપ ઉપર આકરા પ્રહારો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૧ :.. મોરબી-માળીયા (મીં) વિધાનસભા ૬પ ની પેટા ચૂંટણીનો પ્રચાર ભાજપ-કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા અંતિમ ચરણમાં ચરમ સિમાએ પહોંચ્યા છે. આક્ષેપ - પ્રતિ આક્ષેપોની વચ્ચે શામ-દામ-દંડ-ભેદની નીતિઓ અપનામી આ વિધાનસભા વિસ્તારના મતદારોને પોતાના તરફ આર્કષવા રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અને મતદારોને લાભવવા પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે,

મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલના ચૂંટણી જાહેર થતાની સાથે કાર્યાલયના ઉદઘાટનમાં અને ફોર્મ ભરવા સમયે અર્જુનભાઇ મોઢવાડીયા, વિક્રમ માડમ, ચિરાગ કાલરીયા, બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો આવી પહોંચ્યા હતા અને સંમેલન યોજી પ્રચારનો શુભારંભ કર્યો હતો.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિતભાઇ કગથરાની આગેવાની હેઠળ મોરબી માળિયા (મીં) પંથકમાં પ્રચાર કાર્યમાં તેમજ મોરબી શહેરી વિસ્તારમાં લોકસંપર્ક, ડોર ટુ ડોર સંપર્ક, કાર્યાલયોના ઉદઘાટન વોર્ડવાઇઝ ગ્રુપ મીટીંગો, મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા જાડેજાની આગેવાનીમાં મહિલા રેલી, ઇન્દ્રનીલ રાજયગુરૂની આગેવાનીમાં સાયકલ રેલી તેમજ મોંઘવારી સામે આક્રોશ વ્યકત કરવા શાકભાજીની રેંકડી કાઢી મતદારોને રીઝવવા પ્રયત્નો કરાયા હતાં.

જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સુમિતાબેન લોરીયા, મહિલા અગ્રણીઓ પ્રિતીબેન જાદવ, ક્રિષ્નાબેન, ર્કિર્તિબેન ધામેચા દ્વારા મહિલા સંમેલનો યોજવામાં આવ્યા હતા તો ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ, જાવેદ મહમદ પિરજાદાની હાજરીમાં લધુમતી સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું.

તો બબ્બે વખત મોરબી કોંગ્રેસ દ્વારા આયોજીત સભાઓને સંબોધન કરવા હાર્દિક પટેલ આવ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તો ગઇકાલે કોંગ્રેસ દ્વારા આયોજીત જાહેરસભામાં પુંજાભાઇ વશ, ચંદન ઠાકોર, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકરો, લલીતભાઇ કગથરાએ સભાને સંબોધી હતી કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશી દ્વારા ચુંટણી અનુસંધાને પત્રકારો સાથે પી.સી.નું આયોજન કરાયું હતું.

અશોકભાઇ ડાંગર, ઇન્દ્રનીલ રાજયગુરૂ સહિતનાઓ કોંગ્રેસના પ્રચારમાં જોડાયા હતા.

મોરબી કોંગ્રેસ અગ્રણી મનોજ પનારા, કે.ડી.બાવરવા, એલ.એમ.કઝારીયા, રમેશભાઇ રબારી, રાજુભાઇ કાવર, નયન અધારા, મુકેશ ગામી, નાથાભાઇ ડાભી, જયેશ કાલરીયા, રામભાઇ રબારી, મહિલાના આગેવાનો બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પ્રચાર કાર્યના અંતિમ ચરણમાં પ્રચારકાર્યમાં પુરા વેગથી લાગ્યા છે. અને જયંતિભાઇને વિજયી બનાવવા મતદારોને અપીલ કરી રહ્યા છે.

કોરોનાની મહામારીના ભયના માહોલની વચ્ચે ચુંટણીમાં જેટલો રસ ઉમેદવાર કે પક્ષના કાર્યકરોમાં છે. તેઓ સર નાગરીકોમાં નથી તે  સ્પષ્ટ જણાઇ રહ્યું છે તા. ૩ના મતદાન બાદ તા.૧૦ના પરિણામમાં જનતા પોતાનો ચુકાદો સ્પષ્ટ કરી દેશે ત્યાં સુધી તો રાજકીય પક્ષો અપક્ષો વિશ્વાસ સાથે પોતાની જીતના દાવા કરી રહ્યા છે. અને ઉત્સાહભેર પ્રચારમાં આગળ વધી રહ્યા છે. મતદાન આડા માત્ર આજથી ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે આજની તારીખે પણ મતદારોના મન કળવા અઘરા હોવાનું રાજકીય પંડીતો જણાવી રહ્યા છે.

(11:35 am IST)