Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મોરબીમાં દિવાળીએ ફટાકડા ફોડવા મામલે ડખ્ખા બાદ બેસતા વર્ષને દિ' મિલન પર હુમલો

કોળી યુવાન ભાણેજ જમાઇના ઘર પાસે જતાં દરબાર શખ્સોએ રાતનો ખાર રાખી છરી-તલવારના ઘા કર્યા

રાજકોટ તા. ૩૧: મોરબીમાં દિવાળીની રાતે કોળી યુવાને પોતાના ભાણેજ જમાઇને ફટાકડા ફોડવા મામલે દરબાર લોકો સાથે થયેલી માથાકુટમાં સમાધાન કરાવ્યું હોઇ બીજા દિવસે બેસતા વર્ષના રોજ દરબાર શખ્સોએ રાતના ડખ્ખાનો ખાર રાખી સશસ્ત્ર હુમલો કરતાં કોળી યુવાનને ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયો હતો.

મોરબી કબીર ટેકરી શેરી નં. ૫માં રહેતાં  મિલન નરશીભાઇ અગેચણીયા (કોળી) (ઉ.૨૧) પર તે બેસતા વર્ષના દિવસે સામા  કાંઠે મહાવીર સોસાયટીમાં રહેતાં પોતાના ભાણેજ જમાઇને ત્યાં નવા વર્ષના રામ-રામ કરવા ગયો ત્યારે ભાણેજ જમાઇના પડોશી અશ્વિનસિંહ, હિતુભા સહિતનાએ તલવાર-છરી-ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મિલનના ભાઇના કહેવા મુજબ ભાણેજ જમાઇને દિવાળીની રાતે ફટાકડા ફોડવા મામલે માથાકુટ થતાં મિલનને ફોન આવતાં તે ત્યાં ગયો હતો અને જેની સાથે ડખ્ખો થયો હતો તે દરબાર પરિવારના લોકોને સમજાવતાં સમાધાન થઇ ગયું હતું. બીજા દિવસે મિલન રામ રામ કરવા ભાણેજ જમાઇને ત્યાં જતાં દરબાર લોકોએ દિવાળીની રાતના ડખ્ખાનો ખાર રાખી હુમલો કર્યો હતો. મિલને કોલેજમાં અભ્યાસ કરે છે.

(3:33 pm IST)