Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જુનાગઢ, અમરેલીમાં હાહાકાર મચાવનારો માનવભક્ષી દીપડો આખરે પાંજરે પૂરાયો

ચાર લોકોને ફાડી ખાનાર ઝડપાતા વન વિભાગને રાહત

રાજકોટ, તા.૩૧: જુનાગઢ અને અમરેલીમાં ચાર લોકોને ફાડી ખાનારો માનવભક્ષીદીપડો આખરે પાંજરે પૂરવામાં સફળતા મળી છે. આ દીપડાએ હાલમાં જ વિસાવદર ગામમાં ૬૦ વર્ષના એક વૃદ્ઘનો શિકાર કર્યો હતો. દીપડાને પકડવા માટે વન વિભાગના ૫૦ કર્મચારીઓની ટીમ કામે લાગી હતી, અને વિવિધ સ્થળો પર ૨૪ જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.

જુનાગઢમાં હાહાકાર મચાવનારો દીપડો વનવિભાગના હાથે ન લાગતા સ્થાનિકોમાં પણ જોરદાર રોષ ફાટી નીકળ્યો હતો. વનવિભાગની મોટી ટીમ દીપડાને પકડવા માટે વિસાવદરની આસપાસના વિશાળ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી હતી, અને જગ્યા-જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હતા. જોકે, દીપડો હંમેશા હાથતાળી આપી જતો હતો.

સ્થાનિકોનો તો એવો આક્ષેપ છે કે, માનવભક્ષી દીપડાએ ૧૦ જેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. ૨૦ ઓકટોબરે નાની પિંડાખાઈ ગામે દ્યરની ઓસરીમાં સૂતા ૬૦ વર્ષના એક વૃદ્ઘને દીપડાએ ગળાના ભાગેથી પડકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃદ્ઘે બૂમાબૂમ કરતાં લોકો જાગી ગયા હતા, જેનાથી દીપડો ભાગી ગયો હતો.

દીપડાના હુમલામાં ઘવાયેલા વૃદ્ઘનું મોત થતાં ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને તેમણે મૃતકની લાશ સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આખે, વન વિભાગે ખાતરી આપ્યા બાદ વૃદ્ઘની લાશ સ્વીકારી અંતિમ સંસ્કાર કરાયા હતા.

(3:31 pm IST)