Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ભુજમાં ધીંગાણા, ડબલ મર્ડર પછી ૧૪ આરોપીઓ ઝડપાયા, હથિયારો જપ્ત : બંને જૂથ વેવાઈઓ છે, સમાધાન દરમ્યાન નાનકડી વાતે ફરી બબાલ સર્જી અને ધીંગાણું થયું

(ભુજ) ભુજના છછ ફળિયા મધ્યે બે જૂથો વચ્ચે થયેલ સશસ્ત્ર ધીંગાણામાં એક સાથે બબ્બે હત્યાની ઘટનાએ સમગ્ર કચ્છમાં હાહાકાર સર્જ્યો છે. જોકે, ભુજના વોકળા ફળિયા અને ન્યુ સ્ટેશન રોડ ઉપર કોંગ્રેસ કાર્યાલય પાસે ભાલા, ગુપ્તિ, છરી, ધારીયા સાથે થયેલા ધીંગાણા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ખુદ ડીએસપી સૌરભ તોલંબિયાએ બનાવના સ્થળની મુલાકાત લઈને સમગ્ર ઘટના વિશે જાણકારી મેળવી હતી. છછ ફળિયામાં રહેતો લાખા પરિવાર લગ્ન અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં ઘોડા, બગી ભાડે આપવા માટે જાણીતો છે. તો, થેબા પરિવાર વરસોથી દુધના ધંધા સાથે સંકળાયેલો છે, અને વાણિયાવાડ નાકા બહાર જૈન સ્મશાન પાસે તેમના ગાયોના વાડા આવેલા છે. દરમ્યાન ચર્ચાતી વિગતો પ્રમાણે લાખા અને થેબા પરિવાર આપસમાં વેવાઈઓ છે અને દોઢ વર્ષ પહેલાં ટેમ્પોની બેટરી ચોરવાના સામાન્ય મુદ્દે તેમના વચ્ચે થયેલો ટકરાવ અને હત્યાના બનાવ પછી આપસી વેરઝેરનો અંત લાવવા બન્ને પરિવારના વડીલોની મધ્યસ્થી વચ્ચે બુધવારે સમાધાનની બેઠક યોજાઇ હતી. દોઢ વર્ષ પહેલાં ગફાર રહેમતુલ્લા થેબાનું ખૂન થયું હતું અને એ ખૂન સબબ સિકંદર લાખા સહિત ચાર આરોપીઓ જેલમાં છે. તે વચ્ચે છએક મહિના પહેલાં સિકંદર લાખા ઉપર ભુજ કોર્ટમાં થેબા પરિવારના બે યુવાનો હનીફ અને ઈકરામે હુમલો પણ કર્યો હતો. આ અંદરોઅંદરની લડાઈ, ઝઘડો સમાપ્ત કરવા જ વેવાઈઓએ પરસ્પર સંબંધો સુધારવા સમાધાન બેઠક યોજી હતી. પણ, એ દરમ્યાન ફરી એક નાનકડી વાતને લઈને બન્ને પરિવારના યુવાનો વચ્ચે વાત વણસી ગઈ હતી અને બોલાચાલી થતાં દંગલ સર્જાયું, શસ્ત્રો ઉલળ્યા અને ડબલ મર્ડર થયાં, દોઢ વર્ષમાં બે સગા ભાઈઓ સહિત ત્રણ હત્યા જેવી હાહાકાર સર્જતી ઘટના થઈ. 

પોલીસે બન્ને જૂથના મળીને ૧૪ યુવાનોને ઝડપ્યા..

આ ધીંગાણા અંગે થેબા પરિવાર વતી ૧૧ જણા અને લાખા પરિવાર વતી ૧૬ જણા એમ સામસામે કુલ ૨૭ જણા વિરુદ્ધ સામસામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવ બાદ પોલીસે એકશન મોડમાં આવીને બન્ને પરિવારો રહે છે એ વિસ્તારમાં પહેરો ગોઠવી દીધો છે. તો, બુધવારે બપોરે થયેલ ધીંગાણા બાદ ગુરુવારે ૨૪ કલાક દરમ્યાન જ બન્ને જૂથના ૧૪ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ઝડપેલ આરોપીઓમાં થેબા જૂથના (૧) સત્તાર જુસબ, (૨) ઈદ્રિશ કાસમ, (૩) અયુબ કાસમ, (૪) અશરફ અલીમામદ, (૫) જુણસ હનીફ, (૬) શોએબ હનીફ, (૭) ઇકરામ ઈદ્રિશ, (૮) યાસર ઈદ્રિશ, (૯) ગની ઉર્ફે ભુરિયો, (૧૦) વસીમ ઓસમાણ, (૧૧) શરીફ અલીમામદ અને લાખા જૂથના (૧૨) અનિસ મહેબૂબ લાખા, (૧૩) સાહિલ મહેબૂબ લાખા અને (૧૪)માં આરોપીનું નામ જાહેર કરવાનું બાકી છે. પોલીસે ધીંગાણામાં વપરાયેલ શસ્ત્રો પણ જપ્ત કર્યા છે. આરોપીઓની ધરપકડ બાદ ડીવાયએસપી શ્રી દેસાઈએ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને તપાસ અંગેની જાણકારી મેળવી હતી.

(3:24 pm IST)