Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી-નૂતન વર્ષ પર્વનાં વધામણા

રાત્રીના આકાશમાં ફટાકડાની રંગોળી સર્જાઇઃ એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છાની આપ-લેઃ ફરવા લાયક સ્થળોએ માનવમેદની ઉમટી

પ્રથમ અને બીજી તસ્વીરમાં ધોરાજી-જામકંડોરણામાં નૂતન વર્ષ, સ્નેહમિલન, ત્રીજી, ચોથી તસ્વીરમાં જસદણમાં દિપાવલી પર્વની ઉજવણી થઇ હતી. પાંચમી તસ્વીરમાં જામકંડોરણામાં બટુક ભોજન કરાવાયુ તે નજરે પડે છે. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા- (ધોરાજી), હુસામુદીન કપાસી-જસદણ) (પ-૧૦)

રાજકોટ તા. ૩૧ :... રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉમંગભર્યા વાતાવરણમાં દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નૂતનવર્ષના વધામણા કરવામાં આવ્યા હતાં.

ગામે-ગામ લોકોએ નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી. અને નૂતનવર્ષના દિવસે ઘર આંગણે અવનવી રંગોળીનું સર્જન કર્યુ હતું.

ફરવા લાયક અને ધાર્મિક સ્થળોએ માનવ મેદની ઉમટી પડી હતી. શ્રી સોમનાથ મહાદેવ-વેરાવળ, શ્રી ઘેલા સોમનાથ મહાદેવ જસદણ, દ્વારકા, સાસણ ગીર, જુનાગઢ, ભવનાથ, સહિત અનેક સ્થળોએ વેકેશનની મજા માણવા માટે લોકો ઉમટી પડયા હતાં.

ધોરાજી

 ધોરાજી : છેલ્લા ર૦ વર્ષથી જામકંડોરણાની કન્યા છાત્રાલય ખાતે વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા બેસતા વર્ષમાં જામકંડોરણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોનું ભવ્ય સ્નેહ મીલન યોજાતું અને એ જ રીતે આજે ફરી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની હાજરીમાં સ્નેહ મીલન યોજોયા જેમાં સહકારી અગ્રણીઓ, સરપંચશ્રીઓ વિવિધ સંસ્થાના હોદેદારો ખેડૂતો સહિત સામાન્ય માણસો પણ આ સ્નેહ મીલનમાં હાજર રહી એક બીજાને શુભેચ્છાઓ આપેલ અને હાજર અગ્રણીઓએ જણાવેલ કે વિઠ્ઠલભાઇ રાદડીયાની કમી વતાર્ય છે.

અને તેઓની સેવાઓને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ તમામ લોકોને શુભેચ્છાઓ આપેલ હતી. આ તકે ગોવિંદભાઇ રાણપરીયા, વિઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ, જસમતભાઇ કોયાણી, યુવા અગ્રણી લલીતભાઇ રાદડીયા, ગૌતમભાઇ તારા, વિપુલભાઇ બાલધા, જીતુભાઇ સાવલીયા, નીલેશ બાલધા, ચીમનભાઇ પાનસુરીયા, સહિતના વિશાળ સંખ્યામાં લોકો હાજર રહી નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ આપેલ હતી.

જસદણ

 જસદણ : નાગરીકોએ ગત દિપાવલીની રાત્રીએ મંદી મોંઘવારી ભૂલી જઇ રાતભર ફટાકડાંનો આનંદ માણ્યો હતો. દિવાળીના તહેવારોની શરૂઆતમાં બજારોમાં કાગડા ઉડતાં હોય એવો માહોલ હતો પણ તહેવારો નજીક આવતાં બજારમાં ચમક દેખાઇ હતી ખાસ કરીને ગત રાત્રીના જસદણ - વિંછીયા પંથકમાં વિકાસના કામોનો પાયો નાખી અને અબજો રૂપિયાના વિકાસના કામો કરનાર પૂર્વ ધારાસભ્ય અને હાલના રાજયના સરદાર  વલ્લભભાઇ પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાએ પણ દિવાળીની રાત ફટાકડાં ફોડી માણી હતી આમ આજે સવારે શહેરીજનો સાલ - મુબારક, હેપી ન્યુ યર્સ, રામરામ કહેતા નૂતનવર્ષની ઉજવણી કરી હતી. શહેરમાં આજે રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પણ શહેરીજનો અને ગ્રામજન્યોને મળી નવાં વિક્રમ સવંત વર્ષની ઉજવણી કરી હતી.

જામકંડોરણા

જામકંડોરણામાં ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા દિવાળીના દિવસે ઝૂંપડાઓમાં વસતા આર્થિક પછાત વિસ્તારના બાળકોને મીઠાઇ તેમજ ગાંઠીયાનું ભોજન જમાડી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગૌરક્ષક સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા તેમજ સમિતિના સભ્યોએ આવા વિસ્તારોમાં જઇ આ ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો તેમજ યુવાનોએ હાજરી આપી હતી.

(11:54 am IST)