Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સારંગપુર શ્રી સ્વામિનારાયણ મંદિરે ૧૧૧૧ વાનગીઓનો મહાભોગ

દિપાવલી-નૂતન વર્ષમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયાઃ રોશનીનો ઝગમગાટ

રાજુલા તા. ૩૧ :.. વિશ્વ પ્રસિધ્ધ તીર્થસ્થાન બીએપીએસ સારંગપુર મંદિરમાં ભવ્ય અન્નકુટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. દેશ-વિદેશથી પધારેલા હજારો મહાનુભાવો આ દિવ્ય પ્રસંગના સાક્ષી બન્યા હતાં.

દર વખતની જેમ બીએપીએસ મંદિર સારંગપુર ખાતે દિવાળી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યું. ધનતેરસ - શારદાપૂજન - ચોપડા પૂજા સાથે જ હજારો દીવડાઓની સાથે દિવાળી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક થઇ. સમગ્ર બીએપીએસ પરિસરને કલાત્મક ઇલેકટ્રિક બલ્બથી શણગારવામાં આવ્યું હતું. પૂજય કોઠારી સ્વામીએ પૂજન પછી હરિભકતોને આશીર્વાદ આપ્યા હતાં.

નવા વર્ષના વધામણાં અહીં બહુ જ વિશેષ રીતે કરવામાં આવે છે. સમગ્ર વિશ્વકમાં શાંતિ અને સંવાદ માટે વૈદિક મહાપૂજાનું આયોજન સૂર્યોદય સાથે જ થઇ જાય છે. દેશ અને વિદેશમાં સૌ કોઇ પ્રેમ અને ભાઇચારા સાથે રહેવાના અહીં સંકલ્પ આ મહાપૂજામાં થાય છે.

આ વર્ષના આરંભે નવી ઉપજ અને આમદની ભગવાનને અર્પણ કરવાની આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે. દરેક મંદિરમાં આ વિધિમાં ભકિતભાવપૂર્વક ભગવાનને થાળ જમાડવામાં આવે છે. બધું ભગવાનનું જ છે અને ભગવાનને જ અર્પણ કરવાનું છે. ભગવાન જમે અને સમગ્ર વિશ્વ પર કૃપા વરસાવે સાથે જ આ જગતમાં કોઇ ભૂખ્યો ન રહે, સર્વનું  કલ્યાણ થાય, આ ભાવના આ ઉત્સવનો મર્મ છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે મંદિરમાં ૧૧૧૧ વાનગીઓનો મહા અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ તબકકે પૂજય કોઠારી પૂજય જ્ઞાનેશ્વર સ્વામીએ સૌના કલ્યાણમય અને સ્વસ્થ જીવન માટે કામના કરી હતી. પરમ પૂજય મહંત સ્વામીના મંગલમય આશીર્વાદનું શ્રવણ પણ કરાવવામાં આવ્યું હતું.

(11:46 am IST)