Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કેશોદ પંથકમાં ધોધમાર વરસાદઃ વિજળી પડતા યુવકનું મોત

કમોસમી વરસાદના કારણે પાકમાં ભારે નુકશાનઃ સવારથી વાતાવરણ સામાન્ય

જૂનાગઢ તા. ૩૧ :.. કમોસમી માવઠાને લઇ જાનહાનિ અને નુકસાનનો સિલસિલો ચાલુ રહ્યો છે. જેમાં કેશોદનાં મંગલપુરની સીમમાં વિજળી પડતા યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

સૌરાષ્ટ્ર સહિત સોરઠમાં દિવાળી પછી પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે.

ગઇકાલે કેશોદ પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વિજળીનાં ચમકારા તેમજ વાદળાનાં કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું.

ધોધમાર વરસાદ વરસતા કેશોદ વિસ્તારમાં બે ઇંચ કરતા પણ વધુ પાણી પડયાનું નોંધાયુ હતું.

વરસાદની સાથે કેશોદ તાલુકાનાં મંગલપુર ગામની સીમમાં વિજળી પણ ખાબકતા અશોકભાઇ વસતાભાઇ રાઠોડ (ઉ.૩ર) નામના યુવાનનો ભોગ લેવાયો હતો.

મૃતક યુવક ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે જ આકાશમાંથી જોરદાર ધડાકા સાથે તેના ઉપર વિજળી પડી હતી. જેમાં અશોકભાઇ ભડથુ થઇ ગયા હતાં.

આમ એક યુવાનનું વિજળીનાં કારણે મોત થતા ગમગીની વ્યાપી ગઇ હતી.

કેશોદની સાથે જુનાગઢમાં પણ કમોસમી વરસાદનું ઝાપટુ વરસ્યુ હતું આજે સવારથી વાતાવરણ એકંદરે સામાન્ય છે.

(11:39 am IST)