Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જુનાગઢમાં મજુરી કરતી મહિલાની હત્યાઃ ર ભાઇઓની ધરપકડ

બોથડ પદાર્થના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ મૃતદેહને દાટી દેવાની કોશિષ કરતા ભાંડો ફૂટયો

જુનાગઢ તા. ૩૧: જુનાગઢમાં ભાઇ બીજના પર્વે મહિલાની હત્યા થતા સનસનાટી મચી ગઇ હતી. આ બારામાં પોલીસે એક બાવાજી શખ્સને અને તેને મદદગારી કરનાર તેનાં સગા ભાઇની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

હત્યાનાં આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢમાં બીલખા રોડ પરનાં આંબેડકરનગર નજીક આવેલ કબુતરી ખાણ વિસ્તારમાં રહેતા અને ભિક્ષાવૃતિ કરતો જયેશગીરી શંકરગીરી ગૌસ્વામી નામનાં બાવાજી શખ્સ સાથે રહેતી લાખુબેન (ઉ.વ. ૩૮) નામની મહિલાની હત્યા તેના જ ઘરમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું.

મજુરી કામ કરતા લાખુબેન અને જયેશગીરીને બેસતા વર્ષના દિવસે કોઇ કારણસર ઝઘડો થયો હતો જેમાં તેણે મહિલાને બોથડ પદાર્થ ઝીંકી દેતા લાખુબેન બેભાન થઇ ગયા હતા.

બાદમાં જયેશ ઘરેથી જતો રહ્યો હતો અને ભાઇબીજનાં દિવસે પરત આવતાં લાખુબેન મરી ગઇ હોવાનું જણાતા તેણે પોતાનો ભાઇ કિશનગીરીની મદદ લઇ મહિલાની લાશને દાટી દેવાની કોશિષ કરી હતી.

આ આખી જાણ પડોશીઓને થતા તેઓએ પોલીસને જાણ કરતાં એ ડીવીઝનના પી.આઇ. કે. કે. ઝાલા વગેરેએ દોડી જઇ તપાસ કરતાં લાખુબેનની હત્યા થયાનું જણાયું હતું.

આથી ભાવેશ અનીલભાઇ પરમારની ફરિયાદ લઇ જયેશગીરી સામે લાખુબેનની હત્યા અને લાશને સગેવગે કરવા અને મદદગારી કરનાર તેનો ભાઇ મુકેશગીરી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે બન્ને ભાઇઓની ત્વરિત ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(11:16 am IST)