Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કાલાવડના ભગત ખીજડીયામાં કરા સાથે ૭ ઇંચ

વઢવાણ-૪, ટંકારા-વાંકાનેરમાં ૩ ઇંચઃ દિવાળીના તહેવારોમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો પરેશાન : ઉભા પાકને ભારે નુકસાનઃ રાહત આપવા ખેડૂતોની માંગણીઃ ભાઇબીજે અષાઢી બીજ જેવા માહોલથી જબરૂ આશ્ચર્ય

રાજકોટ તા. ૩૧ : અરબી સમુદ્રમાં સર્જાયેલ ''કયાર'' વાવાઝોડાની અસર રૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલ્ટો આવ્યો છે અને દિવાળીના દિવસ રવિવારથી અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસતા ખેડૂતો ઉપર આફત આવી પડી છે.

રવિવારથી આજે ગુરૂવાર દરમિયાન અનેક જગ્યાએ શિયાળામાં માવઠુ વરસતા કપાસ, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકશાન થયુ છે અને ખેડૂતોના મોઢે આવેલ કોળીયો ઝૂંટવાઇ ગયો છે.

દિવાળીના તહેવારોમા જ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમા ભારે ચિંતા પ્રસરી ગઇ છે અને પાક પલળી જતા મોટુ નુકશાન થયું છે.

બુધવારે સાંજથી રાત્રી સુધીમાં કાલાવડના ભગત ખીજડીયામાં કરા સાથે ૭ ઇંચ વરસાદ પડયો હતો જયારે મંગળવારે વઢવાણમાં ૪ ઇંચ, ટંકારા અને વાંકાનેરમાં ૩ ઇંચ લાલપુરમાં એક ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કાલે બુધવારે મોડી સાંજ પછી રાત્રે અનેક ગામોમાં ભારે વરસાદ ભયંકર વાવાઝોડુ અને બરફના કરા પડયાનું જાણવા મળે છે.ખરેડી ગામે ભારે કરા પડયા હતા. તો ભગત ખીજડીયા ગામે સાત ઇંચ જેવો અતિભારે વરસાદ પડી  ગયો છે. આ ઉપરાંત કાલાવડના નપાણીયા ખીજડીયામાં જોરદાર વરસાદ છે તો ડેરીવડાળામાં પણ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત કંડોરણા સુધીના પટ્ટામાં અને લોધીકા સુધી આ વાવાઝોડુ પ્રસરી ગયાનું જાણવા મળે છે. અકિલાના શ્રોતા ભરતભાઇ પટેલ અને હર્ષલ ખંધેડિયાએ આ વિગતો આપી છ.ે

(11:17 am IST)