Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરહદી કચ્છ જિલ્લાએ આપ્યો 'એકતા'નો સંદેશ- 'રન ફોર યુનિટી' સાથે સરહદની સુરક્ષા જાળવવાનો સંકલ્પ

(ભુજ) સરદાર પટેલની જન્મ જ્યંતી પ્રસંગે દેશની પશ્ચિમી સરહદે આવેલા કચ્છ જિલ્લામાં 'રન ફોર યુનિટી' ના કાર્યક્રમમાં લોકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. રાજયમંત્રી વાસણભાઇ આહીર અને સાંસદ વિનોદ ચાવડાએ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે લોકોએ શપથ ગ્રહણ કરી દેશની એકતા, અખંડીતતા સાથે સરહદની સુરક્ષા જાળવવાનો સંકલ્પ કર્યો હતો.

 રાષ્ટ્રીય એકતા દિવસના આ પ્રસંગે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ મધ્યે યોજાયેલા 'રન ફોર યુનિટી'ના કાર્યક્રમમાં કચ્છ દોડ્યું હતું. ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકો સાથે લશ્કરી જવાનોએ દોડમાં ભાગ લીધો હતો. 

જિલ્લાના અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાએ 'રન ફોર યુનિટી'માં ભાગ લીધો હતો. ભુજની કલેકટર કચેરીથી જિલ્લા પંચાયત ભવન સુધીની દોડ દરમ્યાન સરહદી કચ્છ જિલ્લાના નાગરિકોએ 'એકતા'નો સંદેશ વહેતો કર્યો હતો.

(10:57 am IST)