Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

પોરબંદરની ઓરીએન્ટ એબ્રેસીવ્ઝના કામદારોની સાતમ-આઠમ સુધરીઃ ફેકટરી પુનઃશરૂ

તમામ કામદારોને નોકરી ઉપર લેવા નિર્ણયઃ કાંધલભાઇ જાડેજાની દરમિયાનગીરીથી મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે સુખદ સમાધાન

 પોરબંદર તા.૩૧: અહીં બંધ પડેલ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપની પુનઃ શરૂ થતા કંપનીના ૧૨૦૦ જેટલા કામદારોના સાતમ-આઠમના તહેવારો સુધરી ગયેલ છે. રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાની દરમિયાનગીરી બાદ કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે સુખદ સમાધાન થયું છે. કંપનીએ તમામ કામદારોને નોકરી ઉપર લેવાનો નિર્ણય કર્યો છે.

ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ર માસ પહેલા બંધ પડી હતી અને કંપનીના કાયમી અને કોન્ટ્રાકટ કામના કામદારો બેરોજગાર બની ગયા હતાં આ કંપની પુનઃ ચાલુ કરવા કામદાર યુનિયનના નેતાઓએ પ્રયત્નો શરૂ કરેલ હતા. કામદારોએ પોતાના હકકની માગણી સાથે રેલી તથા પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. કંપનીમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરતા રોજમદારોને કાયમી કરવા, પગાર વધારો જેવી માગણી થયેલ અને કંપનીએ આ માંગણી સ્વીકારેલ નહીં અને સમાધાન ભાંગી પડતા કંપનીને લોકઆઉટ જાહેર કરી દેવામાં આવતા કામદારો બેરોજગાર બન્યા હતાં.

આ કંપનીને પુનઃ ચાલુ કરવા સમાધાન અંગે ફરી બેઠક મળી હતી જેમાં શરૂઆતમાં કંપનીએ કાયમી અને જુના કામદારોને નોકરી ઉપર લેવા શરત રાખી હતી ત્યારબાદ કાયમી અને રોજમદારો સહિત તમામને નોકરી ઉપર લેવા નિર્ણય કરવામાં આવતા આજથી ફેકટરી ચાલુ થઇ છે. તમામ કામદારોને બિન શરતી રીતે કામ ઉપર લેવામાં આવતા કામદારોને તેના પરિવારોમાં તહેવારોની ખુશી વ્યાપી ગઇ છે.

(4:45 pm IST)