Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

જેતપુરમાં લાયસન્સ વગર હોલમાર્કના ઘરેણા વેંચનાર બે જવેલર્સને ત્યાં દરોડો

માનક બ્યુરોની ટીમ ત્રાટકી : કુલ ૬૧૪ ગ્રામના ઘરેણા જપ્ત

રાજકોટ તા. ૩૧ : જેતપુરમાં હોલમાર્કના લાયસન્સ વગર ઘરેણાનું વેંચાણ થતુ હોવાની બાતમીના આધારે ભારતીય માનક બ્યુરો રાજકોટની ટીમે તપાસ હાથ ધરતા જેતપરમાં બે જવેલર્સને ત્યાં આવી ગેરરીતી સામે આવી હતી.

બીઆઇએસ રાજકોટની યાદીમાં જણાવ્યા મુજબ જેતપુરમાં ધોરાજી ગેઇટની સામે આવેલ મેસર્સ ડી. એન. જવેલર્સને ત્યાં તપાસ દરમિયાન બીએસઆઇ હોલમાર્કના લગભગ ૫૫૦ ગ્રામ ઘરેણા તેમજ જપ્ત કરાયા હતા. તેમનું બીએસઆઇ લાયસન્ રીન્યુ કરાવવાની મુદત પુરી થઇ ગઇ હતી છતા આવુ વેચાણ ચાલી રહયાનું ખુલ્યુ હતુ.

એજ રીતે ધોરાજી ગેઇટની સામે જ આવેલ અન્ય મેસર્સ ગોકુલ જવેલર્સમાં તપાસ દરમિયાન રર કેરેટ સોનાની વીટી સહીત ૬૪ ગ્રામના ઘરેણા જપ્ત કરાયા હતા. તેઓએ બીઆઇએસમાં કોઇ નોંધણી કરાવ્યા વગર હોલમાર્કનો ઉપયોગ કર્યાનું ખુલ્યુ હતુ.

અહીં નોંધનીય છે કે ભારતીય માનક બ્યુરોના નોંધણી પ્રમાણપત્ર વગર હોલમાર્કીંગ કરવામાં આવેલા ઘરેણાનું વેંચાણ ગુન્હો બને છે. આ માટે ધારા ૨૦૧૬ અનુસાર ૧ વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા એક લાખનો દંડ અથવા બન્ને લાગુ કરવાની જોગવાઇ છે. કયાંય પણ બીએસઆઇનો દુરઉપયોગ થતો જણાય તો ભારતીય માનક બ્યુરો રાજકોટ કચેરી, કાલાવડ રોડ, (ફોન ૦૨૮૧ ૨૫૬૩૯૮૧) ખાતે જાણ કરવા એક યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)

(11:56 am IST)