Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

દ્વારકાધીશજીનાં બાલસ્વરૂપની જીલણા એકાદશી નિમિતે સાદાઇથી પાલખીયાત્રા

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે શ્રાવણસુદ અગિયારસના જીલણા એકાદશીના શુભદિને ભગવાન દ્વારકાધીશના બાલસ્વરૂપને જગત મંદિરેથી પાલખીમાં બેસાડી શહેરના રાજય માર્ગો પરથી કોરોના વાયરસની મહામારીને અનુલક્ષી સાદાઇપૂર્વક નગરયાત્રા કાઢી શ્રીજીના બાલસ્વરૂપને કંકલાસ કુંડમાં સ્નાન કરાવી ભગવાનની આરતી કરવામાં આવી હતી. જીલણા એકાદશી અને પવિત્રા એકાદશી તરીકે પણ ઓળખાય છે. જીલણા એકાદશીએ ભગવાન નગરજનોને દર્શન આપી એક પ્રજાપાલક તરીકે બધાની  ઇચ્છાઓ પરી પુર્ણ કરે છે. આ પવિત્ર કંકરાસ કુંડમાં સ્નાન કરવાથી શરીરમાં જે લોકોને સ્કીન રોગ હોય તે નાશ થઇ જાય છે. પવિત્રા એકાદશીને જીર્ણા કે જીલણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ જગત મંદિરના મુખ્ય પટ્ટરાણીવાસમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિરના બાલસ્વરૂપ દ્વારકાધીશ નગરના પવિત્ર સરોવરમાં સ્નાનાર્થે ગમન કરે છે. જેમાં દ્વારકાસ્થિત સૂર્યકુંડ કે જે હાલમાં કકલાશ કુંડ પણ કહેવાય છે તેમાં સ્નાન કરાવવામાં આવે છે. આ ઉત્સવમાં કકલ એટલે કે નોળિયારૂપી નૃગરાજાનો ભગવાન શ્રી કૃષ્ણે ઉધ્ધાર કરેલ તે કુંડમાં સ્નાનાર્થે ભગવાનનું બાલસ્વરૂપ મુખ્ય મંદિરેથી આવી ઠાકોરજીને પૂજન-અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે. આજના પવિત્રા એકાદશીના દિને ભગવાનનું જ એક બાલ સ્વરૂપ નગરજનોને દર્શન આપી એક ઉત્કૃષ્ટ પ્રજાપાલક તરીકે બધાની ઇચ્છા પરિપૂર્ણ કરે છે. દ્વારકાધીશએ અહીંના રાજા હોય તેઓને એક રાજાની આન, બન અને શાન હોય તેવા ઠાઠમાં ઠાકોરજીનું બાલસ્વરૂપ શહેર ભ્રમણ કરે છે. અને દ્વારકા પોલીસ તેમજ એસ. આર. પી. ના જવાનો ખડેપગે રહી દ્વારકાના રાજાને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે. આ વખતે કોરોન મહામારીને લીધે સાદગીપૂર્ણ રીતે છતાં તમામ શાસ્ત્રોકત વિધી વિધાન અનુસાર જીલણા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. ઓખા દ્વારકાધીશ જગત મંદિરમાં પણ પવિત્રા એકાદશી નિમિતે વિશેષ શૃંગાર યોજવામાં આવ્યો હતો. શ્રાવણ સુદ અગિયારસ એટલે કે પવિત્ર એકાદશી દ્વારકાધીશ જગત મંદિરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. જગત મંદિરના વારાદાર પ્રણવભાઇ પુજારીના જણાવ્યાનુસાર આજના પાવન દિને કૃષ્ણં વંદે જગદ્ગુરૂ એટલે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશને પોતાનું સર્વસ્વ માનતા ભકતગણ દ્વારા જગતગુરૂ દ્વારકાના રાજાધિરાજને સંધ્યા આરતી પહેલાં ભકિતભાવ સાથે પવિત્રા પધારાવવામાં આવે છે. આજ પવિત્રાને પુજારીઓ દ્વારા રાત્રે શયન સ્તુતિ પહેલાં ઠાકોરજીને ધરાવવામાં આવે છે.  (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(12:01 pm IST)