Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

સમયસર વરસાદનો બીજો રાઉન્ડ : ઉગામેડીમાં વિજળીએ યુવકનો ભોગ લીધો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી ધૂપ-છાંવ યથાવત : સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લામાં ઝાપટાથી ૩ ઇંચ વરસાદ પડ્યો સાર્વત્રિક વરસાદની રાહ

પ્રથમ અને બીજી તસ્વીરમાં જસદણમાં વરસાદી પાણી તથા વાડીમાં લહેરાતો પાક નજરે પડે છે. (તસ્વીર :હુસામુદ્દીન કપાસી : જસદણ)
રાજકોટ, તા. ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા લોકોમાં હરખની હેલી છવાઇ છે. વાવણી બાદ સમયસર વરસાદ વરસતા પાકને ફાયદો થશે જો કે હજુ સાર્વત્રિક વરસાદની લોકો રાહ જોઇ રહ્યા છે.

 

આજે સવારથી ધુપ-છાંવ યથાવત છે. ગઇકાલે બપોરે બાદ સુરેન્દ્રનગરના  ચોટીલામાં ૩ ઇંચ ઉપરાંત અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લામાં ઝાપટાથી ૩ ઇંચ વરસાદ પડ્યો હતો.

ગઢડા (સ્વામિના) શહેર તથા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હતો. માંડવધાર, કેરાળા, રોમાળ, વાવડી, રામપરા, ઇતરીયા, લીંબાળી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ હતો. ઉપરવાસ સારા વરસાદના કારણે ગઢડા શહેરમાં આવેલા ઘેલા નદી ઉપરના મુખ્ય રમાઘાટ ડેમમાં નવા નીરની આવક થતા નિહાળવા ઉમટી પડયા હતાં. ઉગામેડી ગામે વીજળી પડતા વાડીમાં પશુ ચરાવી રહેલા માલધારી યુવક સંજયભાઇ મેર (ઉ.વ.ર૮) નું મૃત્યુ નિપજયાનું જાહેર થયું હતું.

જસદણ

જસદણ : જસદણ શહેર અને તાલુકાના ગામડાઓમાં આજે બપોરે ત્રણ વાગ્યાંથી ધીમીધારે વરસાદ વરસતાં અડધો ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. શહેરમાં તો લાંબા સમયથી ઉકળાટ છે. પણ આજે બપોરે તો જસદણમાં ધરતીએ કાળી ચાદર ઓઢી લીધી હોય એવો અંધકાર છવાયો હતો. ઘડીભર તો એવું લાગતું હતું. કે વરસાદ તૂટી પડશે પણ શહેરીજનોની આશા ઠગારી નીવડી હતી. જસદણ પંથકના જળાશયો હજુ ખાલીખમ છે ત્યારે મેઘરાજા મન મુકીને વરસે એવી લોકો આશા રાખી રહ્યા છે.

(11:36 am IST)