Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ગુજરાતની રોલ મોડેલ સોમનાથ પોસ્ટ ઓફીસમાં ૧પ દિવસથી લોકોને પૈસા મળતા નથી

પ્રભાસ પાટણ, તા. ૩૧ : સોમનાથ-પ્રભાસપાટણ મુકામે આવેલ પોસ્ટ ઓફીસ ગુજરાતની રોલ મોડેલ પોસ્ટ ઓફીસ છે, પરંતુ આ પોસ્ટ ઓફીસ માત્ર નામ પૂરતી જ રોલ મોડેલ છે. બાકી સુવિધાના નામે મીડું છે. છેલ્લા ૧પ દિવસથી લોકોને કોઇ જાતના પૈસા મળતા નથી. પ્રભાસપાટણના લોકો મોટાભાગના મજુર વર્ગના છે અને તેઓ પોતાની બચતના પૈસા પોસ્ટ ઓફીસમાં રોકતા હોય છે. અત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદ બાદ તમામ કામધંધાઓ બંધ હોવાથી મજુર વર્ગના લોકો બેકાર છે. અને તેમા બચતના પૈસા પોસ્ટ ઓફીસમાં લેવા માટે છેલ્લા ૧પ દિવસથી ધક્કા ખાય છે, પરંતુ પોતાના પૈસા મળતા નથી અને દુઃખી થઇને ઘરે આવે છે.

આ બાબતે જીલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા દ્વારા અમદાવાદ પોસ્ટના જી.એમ. કક્ષાના અધિકારીને વારંવાર ફોન કરેલા, પરંતુ ફોન કોઇ ઉપાડતા નથી.

આ બાબતે પ્રભાસપાટણ પોસ્ટ ઓફીસના મેનેજર ડી.એ. ગળચર સાથે વાત થતા તેઓએ જણાવેલ કે બી.એસ.એન.એલ.ના નેટવર્ક કનેકટીવીના કારણે આ પ્રશ્ન ઉભો થયેલ છે અને છેલ્લા દશ દિવસ સુધી ચાલુ થાય અને બંધ થાય તેવી સ્થિતિ હતી, પરંતુ છેલ્લા ૬ દિવસથી સંપૂર્ણ કનેકટીવીટીના અભાવે બંધ છે અને આવતા ગ્રાહકોને પૈસા આપી શકતા નથી.

(11:28 am IST)