Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ભાણવડ પાલિકા ટેન્ડરોમાં મગ્ન છે અને રેઢીયાળ ઢોરોના અડિંગા બન્યા શિરદર્દ

ભાણવડ તા. ૩૧ : એક તરફ ભાણવડ શહેરમાં રેઢીયાળ ઢોર જાહેરમાર્ગો પરના અડિંગા શહેરીજનો માટે શિરદર્દ બની ગયા છે. તો બીજી તરફ નગરપાલિકાની કાર્યવાહી ટેન્ડર પ્રક્રિયાથી આગળ વધતી જ ન હોય વ્યાપક રોષની લાગણી જ જોવા મળી રહી છે.

શહેરમાં રેઢીયાર ઢોરને પુરવા માટેના ડબ્બાની જગ્યામાં જયારથી નવા નગર સેવાસદનનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી ભાણવડ શહેરીજનોની પનોતી બેસી ગઇ છે. તેમ કહેવામાં સહેજપણ અતિશ્યોકિત નહિ ગણાય. રઝળતા ઢોર પુરવા માટે ખાસ કોઇ નકકર વ્યવસ્થા કર્યા વિના નગર સેવાસદનના કરી નાખવામાં આવેલા નિર્માણને કારણે હાલ શહેરની સ્થિતિએ છે કે, શહેરમાં શેરીએ ગલીએ રેઢીયાળ ઢોરો અડિંગા જમાવીને બેઠા રહે છે.આ સમસ્યા છેલ્લા આશેર ત્રણેક વર્ષથી વકરી છે. નગર સેવાસદન માટે જયારે આ ઢોર પુરવાના ડબ્બાની જગ્યા પસંદ કરવામાં આવી હતી ત્યારે શહેરના પાંજરાપોળ, ગૌશાળા સાથે સંકલન કરવામાં આવ્યું હોવાની સતાધિશો કેફિયત આપતા રહે છે. તો હાલના સતાધિશો રજુઆત કર્તાને પાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપવા માટે ઓનલાઇને ટેન્ડરની આપવામાં આવેલી જાહેરાતોની કાપલી બતાવી સ્વબચાવ કરતા રહે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, જયાં સુધી રેઢીયાળ ઢોરોને શહેરમાંથી બહાર મુકી આવવાનો કોન્ટ્રાકટ કોઇ નહિ રાખે ત્યાં સુધી શહેરીજનોએ આમ ને આમ પીડા સહન કર્યે રાખવાની ? જયારે કે, શહેરમાં આવા રેઢીયાળ ઢોર તેમાં પણ ખાસ કરીને આખલાઓ તો યમદુત જેવા લાગી રહ્યા છે. કયારે આખલા યુધ્ધ શરૂ થઇ જાય અને ખાનાખરાબી સર્જી જાય એ કહેવાય જ નહિ અને આના અનેક તાજા દાખલા શહેરમાં બની ગયા છે.

એટલું જ નહિ અન્ય આસપાસના શહેર-ગ્રામ્ય વિસ્તારોમાંથી ખટારા મોઢે આખલાઓ ઠાલવી જવામાં હોવા અંગે પણ અનેક વખત સતાધિશોનું ધ્યાન દોરવામાં આવેલ છે અને કેટલાક ઢોરો ઠલવાઇ રહ્યા હોવાનું નજરે નિહાળેલું હોવા છતાં દર્શક બની રહ્યા હોવાનું પણ લોકોની જાણમાં છે. જેથી કાયમ જશ ના ભાગીદાર બનવા તલપાપડ રહેતા આ સતાધિશોને શહેરીજનોની આ જીવલેણ સમી સમસ્યાનો ઉકેલ મળતો નથી હાલ શહેરમાં શેરી ગલીએ રેઢીયાળ ઢોરો રીતસરના રસ્તા પર લડતા-બાખડતા અને રસ્તા જામ કરીને લોકોને તથા વાહન ચાલકોને ખુબ નડતરરૂપ થઇ રહ્યા છે ત્યારે તંત્રવાહકો કોન્ટ્રાકટરની રાહમાં બેઠા છે ! પોતાની સુખ-સુવિધા માટે ઢોર પુરવાના ડબ્બાની જગ્યાએ અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ કરી લઇ પ્રજાની સુખ-સુવિધા જોખમમાં મુકી દીધી છે.

(11:24 am IST)