Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રાજકોટ જીલ્લામાં જળસંચયના કામોને અલ્‍પવિરામઃ જળ અભિયાન ખેડૂતોની આવક બમણી કરવાનુ ચાલકબળ

રાજયમંત્રી જયદ્રથસિંહનું ઉદબોધનઃ ગોંડલના રાણસીકી ગામે પૂર્ણાહૂતિ સમારોહ : પ૪ યુગલો દ્વારા નર્મદાના નીરનું પૂજનઃ કલેકટરતંત્ર-માહિતીખાતા દ્વારા પ્રદર્શનઃ દાતાઓનું સન્‍માન

ગોંડલના રાણસીકીમાં કળશ પૂજન કાર્યક્રમ :.. ગોંડલ : તાલુકાના રાણસીકી ગામમાં રાજય મંત્રી જયદ્રથસિંહ પરમાર, ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, સહિતની ઉપસ્‍થિતીમાં જયેશભાઇ ભટ્ટે કળશ પૂજનની વિધી શાષાોકત વિધી વિધાન પૂર્વક કરાવી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા.૩૧: ં સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંતર્ગત છેલ્લા એક માસથી રાજકોટ જિલ્લામાં આવેલા જળશયોને ઉંડા ઉતારી તેની જળ સંગ્રહશક્‍તિ વધારવા માટેના પુરુષાર્થને આજે અલ્‍પવિરામ આપવો આવ્‍યો છે. ગોંડલ તાલુકાના રાણસીકી ગામે બારનાળા તળાવ કિનારે આવેલા સ્‍વામિ નિર્દોષાનંદજી મહારાજ આશ્રમ પાસે યોજાયેલા પૂર્ણાહુતિ સમારોહ રાજયમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. રાજયમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન ખેડૂતોની આવક બમણી કરવા માટેનું ચાલકબળ બની રહેશે.

તેમણે જણાવ્‍યું કે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજયભરમાં ચલાવવામાં આવેલા જળ અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન બની રહ્યું છે. કરોડો દ્યન મિટર માટી અને કાંપ કાઢી ખેડૂતોને વિનામૂલ્‍યે આપવામાં આવ્‍યો છે. તે કાંપ ખેતીમાં નાખવાથી પાકને ફાયદો થશે.

રાજયમંત્રીશ્રી પરમારે કહ્યું કે જળાશયોમાંથી કાંપ કાઢવામાં આવતા તેની જળસંગ્રહ શક્‍તિમાં વધારો થશે. વધુ પાણી સંગ્રહ થવાથી જમીનમાં ભૂતળ ઉંચા આવશે. પાણીનાસ્ત્રોતની વૃદ્ધિ થતાં ખેડૂતો વધુ પાક લઇ શકશે.

પાણીનો સદ્દઉપયોગ કરવાની અપીલ કર્યા બાદ મંત્રી શ્રીએ જણાવ્‍યું કે ખેતીમાં સૂક્ષ્મ પીયત કરવી જોઇએ. જેથી પાણીની બચત થાય અને બેત્રણ પાણી વધુ કરી શકાય. મૂલ્‍ય વર્ધિત ખેતી કરવાથી વધુ કમાણી કરી શકાય છે. આ માટે સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી.

રાજયમંત્રીશ્રીએ રાજકોટ જિલ્લામાં આ અભિયાન સફળ બનાવનારા સૌ કોઇને બિરદાવ્‍યા હતા.

કલેક્‍ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્‍યું કે રાજકોટ જિલ્લામાં જળ અભિયાન માટે ૫૦થી વધુ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનો સહયોગ મળ્‍યો છે. ૬૮૯ કામો હાથ ધરવામાં આવ્‍યા હતા. જે કામો આ એક માસ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્‍યા છે. જેની પાછળ લોકભાગીદારીથી સંપૂર્ણ રૂ. ૪૦૦ લાખનો ખર્ચ થયો છે. આ ખર્ચ આ સંસ્‍થાઓ દ્વારા વહન કરવામાં આવ્‍યો છે. સાડા સાત હજારથી વધુ લોકોને રોજગારી મળી છે. આ ખોદકામ દરમિયાન ડુંગરના ડુંગર ખડકાય એટલી માટી, ૧૬.૭૫ લાખ દ્યન મિટર માટી નીકળી છે. એટલે કે આપણા જળાશયોમાં આટલી જળસંગ્રહશક્‍તિમાં વધારો થયો છે. કુદરતીની મહેરબાનીથી આ જળાશયો છલકાય જશે અને ખેડૂતોને વિશેષ ફાયદો થશે. તેમણે, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી.

ધારાસભ્‍ય શ્રીમતી ગીતાબા જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

જળ અભિયાનના પરિણામે લાભાન્‍વિત થનારા ખેડૂતોએ પોતાની લાગણી અને પ્રતિભાવો વ્‍યક્‍ત કર્યા હતા. મહાનુભાવોના હસ્‍તેદાતાઓનું પ્રશસ્‍તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્‍યું હતું. બીએપીએસના મહંતશ્રી આરુણીભગતે આશીર્વચન આપ્‍યા હતા. માહિતી ખાતા દ્વારા નિર્મિત દસ્‍તાવેજી ચલચિત્રનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું. જેને લોકોએ રસપૂર્વક નિહાળી હતી. ગોંડલ તાલુકાના સરપંચોએ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રીજયંતિભાઇ ઢોલનું તેમણે જળસંચયના કામોમાં આપેલા આર્થિક યોગદાન બદલ સન્‍માન કર્યું હતું. તેમણે પોતાનો પ્રતિભાવ વ્‍યક્‍ત કર્યો હતો.

મંત્રીશ્રીએ રાણસીકીના બારનાળા તળાવની મુલાકાત લીધી હતી અને જળ અભિયાન દ્વારા અહીં થયેલા કામોથી તેઓ પ્રભાવિત થયા હતા. આ તળાવ સાત ફૂટ સુધી નીચે ઉતારવામાં આવ્‍યું છે. ૬૨ વિદ્યામાં પથરાયેલું છે.

શ્રી પરમાર નર્મદા જળ પૂજન કાર્યક્રમમાં પણ સહભાગી બન્‍યા હતા. પૂજનવિધિમાં વિવિધ જ્ઞાતિ અને સમાજની ૧૦૮ વ્‍યક્‍તિઓ જોડાઇ હતી અને તેમણે સામુહિક રીતે આ ચોમાસું સારું રહે, ઉત્તમ વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી. આ જળ બારનાળા તળાવમાં અર્પણ કરવામાં આવ્‍યું હતું. શાષાી જયેશભાઇ ભટ્ટે પૂજનવિધી કરાવી હતી.

મંત્રીશ્રીએ અન્‍ય મહાનુભાવો સાથે માહિતી ખાતા દ્વારા આયોજિત સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાનની મુલાકાત લીધી હતી અને અહીં પ્રદર્શિત તળાવમાં થયેલી કામગીરીની તસવીરો, કાર્યસિદ્ધિઓ નિહાળી હતી. તેઓ પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા.

બાળકો દ્વારા જળ બચાવો, દેશભક્‍તિઓ થીમ આધારિત સાંસ્‍કૃતિ કાર્યક્રમોની સુંદર પ્રસ્‍તુતી કરી હતી.

આ વેળાએ ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠિયા, ચેરમેન શ્રી વલ્લભભાઇ કથીરિયા, અગ્રણી શ્રી ડી. કે. સખિયા, શ્રી ભરતભાઇ બોદ્યરા, શ્રી જયંતિભાઇ ઢોલ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી પ્રવીણભાઇ માંકડિયા અને શ્રી જસુબેન કોરાટ, સરપંચ શ્રી દ્યનશ્‍યામભાઇ કાછડિયા, પ્રભારી સચિવ શ્રી હારિત શુક્‍લા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનીલ રાણાવસીયા, ઇજનેરશ્રી ચોવટિયા સહિત લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:17 pm IST)