Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ગુજરાત એસટી નિગમ દ્વારા બસોની ખરીદીમાં ભ્રષ્ટાચાર

મોરબી, તા.૩૧:ગુજરાત એસટી નિગમમાં સરકારના આદેશોનો ખુલ્લેઆમ ભંગ કરીને એકહથ્થુ શાસન ચલાવવામાં આવી રહ્યો હોય અને બસોની ખરીદીથી લઈને દરેક ચીજમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

એસ.તી. બી.એમ.એસ.ના પ્રદેશ અધ્યક્ષ વી.આર. વાછાણીએ રાજયના વાહન વ્યવહાર મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે બંદર વાહન વ્યવહાર સચિવાલયના સેકશન અધિકારીના પત્રની અવગણના કરી એક નિવૃત અધિકારીને મોટા બીલો યેન કેન પ્રકારે ચુકવવાની મોટી સાજીશ ચાલી રહી છે. એસટીમાં એક હજાર ગાડીની મંજુરી મળી હતી છતાં ૫૦૦ બસોની જ ખરીદી કરવામાં આવેલ છે. તો ૪૧ વોલ્વો બસ ભાડે લઈને ૫ કરોડની નુકશાની નિગમે કરી છે. જેથી આવકવાળા રૂટ પ્રાઈવેટ પાર્ટીને વેચીને નિગમને ખત્મ કરવાની સાજીશ કોની છે. ? પરચેઇઝ પોલીસીમાં સરકારની મંજુરી કેમ લેવામાં આવતી નથી અને કામદારોના સાતમાં પગારપંચની અમલવારીની જોઈન્ટ કમિટી બનાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓને સામાન્ય ભૂલો માટે મોટી સજા કરનાર વહીવટદારોને શા માટે બચાવાય છે ? એસટીના એક ઉચ્ચ અધિકારીની તુમારશાહી અને ગેરરીતીના કારણે એસટી નિગમ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે અને ફરીથી એસટી નિગમના ૪૫ હજાર કર્મચારીઓના કાયદેસરના હક્ક માટે સમાધાન બેઠક તા. ૨૩-૦૫-૧૮ ની શરતોની અમલવારી કરવા માટેની માંગ કરી છે.

(1:18 pm IST)