Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જુનાગઢ એ ડિવીઝન વિસ્‍તારમાં તાલુકા પોલીસનો દરોડોઃ જુગારધામનો પર્દાફાશઃ ૭ શખ્‍સો ઝબ્‍બે

એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી સપાટોઃ રૂા.૧ લાખની રોકડ કબ્‍જે

જુનાગઢ તા.૩૧: જુનાગઢ એ ડિવીઝન વિસ્‍તારમાં તાલુકા પોલીસે એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કરી રૂા. ૧ લાખની રોકડ સાથે ૭ શખ્‍સોને ઝડપી લેતા સનસની મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢ શહેર એ ડિવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળના નીચલા દાતાર પાસેના વોંકળાના કાંઠે જુગાર ખેલાતો હોવાની બાતમી જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાને મળતા તેઓએ તાલુકા પી.એસ.આઇ. પી.બી. લક્કડને રેડ પાડવાની સુચના આપી હતી. જેના પગલે પી.એસ.આઇ. લક્કડે સ્‍ટાફ સાથે મોડી રાત્રે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.

જોકે પોલીસે માણાવદરનો ગોપાલ વાઘા ડાંગર, જુનાગઢમાં અગ્રાવતના દવાખાના પાસે રહેતો મિતેષ કિશોર અઢીયા, રામદેવપરાનો અસલમ ઉર્ફે અનીયો ઓસમાણ સીડા, સિંધી સોસાયટીનો રૈયા જીલાભાઇ રબારી, રેલ્‍વે સ્‍ટેશન પાછળ રહેતો અલ્‍તાફ અલારખા મકરણ, સીટી બસ કોલોનીમાં રહેતો બીજલ બાવનભાઇ રબારી અને બાંટવાનો પરમાણંદ સિંધીને ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડયા હતા.

આ કાર્યવાહી દરમ્‍યાન ઇકબાલ ઉર્ફે ઇકુ કાદર, ઇકબાલ, હૈદર ઇકબાલ તેમજ બે અજાણ્‍યા શખ્‍સો મળી કુલ પાંચ શખ્‍સો નાસી જવામાં સફળ રહયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રૂા. ૧લાખની રોકડ સહિત રૂા. ૧.૧૩ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

વધુ તપાસ પી.એસ.આઇ. લક્કડને સોંપવામાં આવી છે.

(1:13 pm IST)