Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આયોજીત મહિલા માર્ગદર્શન શિબિર સંપન્ન

ભાવનગર તા. ૩૧ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા આયોજીત મહિલા માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમના પાંચમા દિવસે ૯૦ થી વધારે ભાવનગર જિલ્લાની દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓને આવકારતા સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતે જણાવેલ કે છેક ૨૦૦૧ થી ભાવનગર જિલ્લાના ખેડુતો અને પશુપાલકોના જીવનધોરણ સુધારવાની જે ઝુંબેશ ભાવનગર જિલ્લા દૂધ સંઘની સ્થાપનાથી શરૂ થઇ છે. તેના પરિપાકરૂપે મહિલાઓની સખત મહેનતથી આજે મહિલા દૂધ મંડળીઓ થકી ભાવનગર દૂધ સંઘનું નામ દેશમાં આદરથી લેવાય છે. આ સંઘ હંમેશા દૂધ મંડળીઓના સદસ્યોના વિકાસ માટે પ્રયત્નશીલ છે. તેથી વૈજ્ઞાનિક પધ્ધતીથી પશુપાલન કરીને ખેતીની જેટલુ જ મહત્વ દૂધ ઉત્પાદનને આપવામાં આવે તે માટેનું પ્રશિક્ષણ આ શિબિરમાં અપાઇ રહ્યુ છે.

મુખ્ય અતિથિવિશેષ પદે ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, યુવા ભાજપ ઉપપ્રમુખ મહાવીરભાઇ રાવ, મિલનભાઇ કુવાડીયા તથા નિયામક મંડળના સભ્યો હાજર રહેલ. પધારેલા મહેમાનો અને દૂધ ઉત્પાદકોનું શાબ્દીક પ્રવચન સંઘના જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર એમ.પી.પંડયાએ કર્યુ. પોષણયુકત સર્વોત્તમ દાણના ઉપયોગથી વધુમાં વધુ દૂધ મેળવી પશુનું આરોગ્ય જાળવીને પોતાના પરિવારનું ઉત્કૃષ્ટ આર્થિક સ્થાન ઉભુ કરનાર દૂધ ઉત્પાદક એવા ૧. સાગવાડી મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના બિજલબેન મનોજભાઇ ચૌહાણ ર. રામગઢ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ગણેશભાઇ ભીખાભાઇ વઘાસીયાએ અનુભવકથન વર્ણવેલ.

શિબિરના પાંચમા દિવસે વિશાળ જનમેદની વચ્ચે પશુને દાણ ખવરાવવામાં જિલ્લાની બે વિશિષ્ટ મંડળી ૧. મલેકવદર મ દૂધ મંડળી ર. મીઠીવીરડી મ. દૂધ મંડળીઓને પુરસ્કૃત કરાઇ હતી. આ બે મંડળીઓએ સર્વોત્તમ દાણનો વપરાશ સારામાં સારો કરેલ છે. તેવી આજની શિબિરમાં વેટરનરી ઓફીસર ડો.બલદાણીયાએ પશુપાલનમાં પાણી અને ખાણદાણની જરૂરીયાત વિશે જણાવેલ.

સંઘના મેનેજીંગ ડીરેકટર શ્રી એચ.આર.જોષીએ ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલી મંડળી સદસ્યોને સરળ રીતે સહકારના મીઠા ફળ મેળવવા હોય તો ઢોરને ફકત ચારો જ નહી પરંતુ સર્વોત્તમ દાણ શા માટે આપવુ જોઇએ તે સમજાવેલ હતુ. તેમણે ચારા અને અન્ય દાણમાં રહેલ ઝેરી પદાર્થો અંગેની જાણકારી આપી હતી. સર્વોત્તમ દાણના ગુણો જણાવેલ. સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતે જણાવેલ કે ગાય એ દેશમાં માતાનું સ્વરૂપ ગણીએ છીએ. કારણ એ છે કે ગાયનું પંચગવ્ય આપણા જીવનમાં પુર્ણ રૂપે ઉપયોગી છે. અને તેથી જ આપણે પશુપાલકો તરીકે આધુનિક પશુપાલન શિખવુ અને આ દૂધ વ્યવસાયને જીવનમાં આર્થિક પ્રગતી માટે અપનાવવો જરૂરી છે.

(12:00 pm IST)