Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મોરબીના વ્હોરા યુવાનની યુવતિને ધમકી-'મારી સાથે શાદી નહિ કર તો તારા માતા-પિતાને મારીને હું પણ મરી જઇશ'

બચપણથી ઓળખાણ હોઇ યુવાન થયે શાદીની પ્રપોઝ મુકી, પણ યુવતિના માતા-પિતાએ ના પાડતાં વાત વણસી : યુવતિ સાથે રાજકોટથી ઇકો કારમાં બેસી જઇ છેક મોરબી સુધી છેડછાડ કરીઃ યુવતિના પિતાને પણ ધમકીઃ રાજકોટ મહિલા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૧: મોરબીના વ્હોરા યુવાને મોરબીમાં જ રહેતી અને રાજકોટ ખાતે એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી ૨૨ વર્ષની પોતાની જ જ્ઞાતિની યુવતિને 'જો તુ મારી સાથે શાદી નહિ કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાંખીશ અને હું પણ મરી જઇશ' તેવી ધમકી આપી રાજકોટથી યુવતિ સાથે ઇકો કારમાં બેસી જઇ મોરબી સુધી અડપલા-છેડછાડ કરી તેમજ યુવતિએ ઘરમાં વાત કરતાં આ શખ્સે ફરીથી ફોન કરી યુવતિના પિતાને પણ ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચતા મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.

 મોરબીમાં રહેતી અને રાજકોટ અભ્યાસ માટે અન્ય બહેનપણીઓ સાથે અપ-ડાઉન કરતી ૨૨ વર્ષની યુવતિએ નોંધાવેલી એફઆઇઆરની વિગતોમાં યુવતિએ જણાવ્યું છે કે અમે પહેલા મોરબીમાં ખોખાણી શેરીમાં રહેતાં હતાં. બે વર્ષથી નાની બજારમાં રહીએ છીએ. અમારી બાજુમાં તૈયબભાઇ જાફરભાઇ કોલંબોવાળા રહે છે. તેને બે દિકરી અને એક દિકરો મોઇઝ છે. બે વર્ષથી પડોશી હોઇ એક બીજાની ઘરે આવ-જા થતી હોવાથી સામાન્ય વાતચીત થતી હતી. હું નાનપણમાં જે મદ્રેશામાં જતી ત્યાં પણ મોઇઝ સાથે જ ભણતો હોઇ જેથી હું તેને બચપણથી ઓળખુ છું. આજથી ત્રણેક મહિના પહેલા મોઇઝે મારી બહેનપણી મારફત મને શાદીની પ્રપોઝ મોકલી હતી. અમે એક જ જ્ઞાતિના હોઇ જેથી મેં તેને કહેલ કે જો મારા મમ્મી-પપ્પા હા પાડશે તો હું શાદી કરીશ. એ પછી એમ એક બીજાને મેસેજ કરતાં હતાં.

એકાદ મહિના બાદ મારા મમ્મી-પપ્પાને વાત કરતાં તેણે શાદી કરવાની ના પાડી દેતાં મેં પણ મોઇઝને હવે શાદી નહિ થઇ શકે તેમ જણાવી તેની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. જો કે આમ છતાં મોઇઝ મને શાદી માટે દબાણ કરતો હતો અને કહેતો હતો કે તું શાદી નહિ કરે તો તારા મમ્મી-પપ્પાને મારી નાંખીશ અને હું પણ મરી જઇશ.  દરમિયાન ગઇકાલે બુધવારે બપોરે હું કોલેજથી છુટીને બેડી ચોકડી પાસે મોરબી જવા વાહનની રાહ જોઇ ઉભી હતી ત્યારે બે બહેનપણી પણ સાથે હતી. ઇકો કાર આવતાં હું તેમાં બેઠી હતી. તે વખતે મોઇઝ પણ આવ્યો હતો અને મારી બાજુમાં મારી ફ્રેન્ડ બેઠી હતી તેને આગળ બેસવાનું કહી તે મારી બાજુમાં બેસવા આવ્યો હતો. મેં જગ્યા ન આપતાં તેણે હાથ પકડી ધક્કો મારી અડપલા કર્યા હતાં. પરાણે કારમાં બેસી જઇ છેક મોરબી સુધી તેણે છેડછાડ કરી હતી.

મોરબી બાયપાસ પર તે ઉતરી ગયો હતો. ઘરે પહોંચીને મેં મારા મમ્મી-પપ્પાને વાત કરતાં મારા પપ્પાએ મોઇઝના પપ્પાને ફોન કરી વાત કરતાં તેણે માફી માંગી હતી. એ પછી મોઇઝે તેના પપ્પા પાસેથી ફોન લઇ મારા પપ્પાને ધમકી આપી હતી કે થાય તે કરી લેજો, જ્યાં જવું હોય ત્યાં જજો તેમ કહી ધમકી આપી હતી. મોઇઝ સતત હેરાન કરતો હોઇ અંતે અમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગયા હતાં. ત્યાંથી અમને રાજકોટની હદનો બનાવ હોવાથી રાજકોટ જવાનું કહેતાં મહિલા પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી.

પી.આઇ. પી. બી. શાપરાની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. વિઠ્ઠલાપરાએ આઇપીસી ૩૫૪ (એ), ૩૫૪ (ડી), ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:58 am IST)