Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનામાં જૂનાગઢ જિલ્લાની આંગણવાડીની બહેનોએ બાળકો માટે માતા જશોદાની ભૂમિકા નિભાવી

૦ થી ૬ વર્ષના ૭૫ હજાર બાળકો અને ૫૩ હજાર જેટલી સર્ગભા-ધાત્રી-માતાઓ કિશોરીઓને ઘરબેઠા પોષણયુકત આહારની કીટનું કરાયું વિતરણ

જૂનાગઢ,તા.૩૧ : જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારો સાથે ૪૦૦ થી વધુ ગામોમાં ૧૪૨૮ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. કોરોના વાયરસ સંદર્ભે બાળકોને આ રોગથી બચાવવા સાથે તેમને પૂરતું પોષણ આપવા જિલ્લાની આંગણવાડી કેન્દ્રોની બહેનોએ બખૂબી માંતા જશોદાની ભૂમિકા નિભાવી છે.

જિલ્લાનાં ૧૪૨૮ આંગણવાડી કેન્દ્રોનો ૩ થી ૬ વર્ષના ૩૪૩૭૯ બાળકો લાભ લઈ રહયા છે. કોરોના  સંદર્ભે આંગણવાડીઓ બંધ રાખવાની હોય તમામ બાળકોને અમૂલ ફ્લેવરની સાથે ઘઉ,ચણા,સોયાબીન,અને સાકર રોસ્ટર થયેલા બાલશકિતના ૫૦૦ ગ્રામના ૪ પેકેટો ઘરબેઠા  આંગણવાડીના બહેનોએ વિતરણ કર્યા છે. તા.૩૧ માર્ચ સુધીના બનાસડેરી દ્વારા તૈયાર કરાયેલ પેકેટ આપી દેવામાં આવ્યા છે. જયારે બીજા ૧૫ દિવસના પેકેટ પણ આપી દેવાશે.

જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ ઉપરાંત ૬ માસથી ૩ વર્ષના ૪૧૬૧૫ બાળકોને પણ બાલશકિતના પોષણયુકત આહારના પેકેટ વિતરણ કરી દેવામાં આવ્યા હોવાનું પ્રોજેકટ ઓફિસર શારદાબેન દેશાઈએ જણાવ્યું હતું . આમ ૦ થી ૬ વર્ષના જિલ્લાના કુલ ૭૫૯૯૪ બાળકોને આ કીટનું આંગણવાડીની બહેનો દ્વારા વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

એ જ રીતે કોરોના વાઈરસ સંદર્ભે સગર્ભા ધાત્રી માતાઓ તેમજ કીશોરીઓને પણ પોષણયુકત આહારની ખોટ પુરવા  આંગણવાડીએ  બોલાવવાના બદલે સગર્ભા અને ધાત્રી  માતાઓને બાલશકિત બીટના વિતરણની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.

લોકડાઉન સંદર્ભે  આંગણવાડીઓ બંધ કરવામાં આવી છે. આથી બાળકો સાથે સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓ પોષણયુકત આહારથી વંચિત ના રહે તે માટે મહિલા  અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સુચારૂ વ્યસ્થા કરી સંબંધિત લાભાર્થીઓ ને ઘરબેઠા કીટ આપવામાં આવી છે.  ઉપરાંત કોરોના વાઈરસ સંદર્ભે આંગણવાડી બહેનો દ્વારા ઘર બેઠા કીટ વિતરણ કરાયું ત્યારે સાવચેતી રાખવા સાથે સલામત અંતર રાખી કીટ વિતરણ કરવામાં આવ્યું  હતુ.તેમજ કોરોના વાઈરસ  સદંર્ભે જનજાગૃતિ અને પૂરતી કાળજી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

(12:49 pm IST)