Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ભાવનગરમાં કોરોનાના ૯ રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

જીલ્લામાં જાહેરનામા ભંગની ૨૯૧ ફરિયાદઃ ૩૩૦ની અટકાયતઃ ૭૪૪ વાહનો ડિટેઇનઃ ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ ટીમ રાખી રહે છે નજર

ભાવનગર,તા.૩૧: ભાવનગરમાં ગઈકાલે કોરોનાના પાંચ કેસ પોઝિટીવ મળી આવ્યા બાદ અન્ય શંકાસ્પદ દર્દીઓના ૯ સેમ્પલ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

દાખલ ૧૩ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી આઠ દર્દીના રીપોર્ટ નેગેટીવ,જયારે પાંચ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.આ પાંચ પૈકી જેસરના ગ્રામ્ય વિસ્તારની મહિલાનું સારવારમાં મોત નીપજયું હતું.

તા.૩૦ના રોજ સર ટી.હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ લક્ષણ જણાતા ૭ દર્દીઓને દાખલ કરી તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.આજે લેવાયેલ ૯ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.ઉપરાંત ગઈકાલના ચાર પીઝિટિવ કેસના દર્દીઓ પણ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

ભાવનગર જિલ્લામાં ઉભી કરવામાં આવેલી તમામ ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.

લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી છે. વિવિધ કારણો દર્શાવી લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લોકો હળવાશથી લઈ રહ્યા છે. પરંતુ આ ગંભીર બાબત છે જેની સામે ફરિયાદ નોંધાઈ છે તેને ભવિષ્યમાં અનેક પ્રશ્નો સર્જાઈ શકે છે. જેમાં યુવાનોને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી, નોકરીયાત સામે તપાસ અને વિદેશમાં રહેતા લોકોની પાસપોર્ટ જપ્તી સહિતની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને રાજકીય કારકિર્દીમાં પણ નુકશાન થઈ શકે છે.

ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કલમ-૧૪૪ના જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ઘ ૨૯૧ ફરીયાદો દાખલ કરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા ૩૩૦ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી ૧૮ ગુના નોંધવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા જિલ્લાના ૭૪૪ જેટલા બાઈક અને કાર ડિટેઈન કરવામાં આવ્યા છે. આર.ટી.ઓ. દ્વારા દંડ વસુલી લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ વાહનમાલિકને તેનું વાહન પરત કરવામાં આવશે. વધુમાં દવા લેવાના બહાને બહાર નિકળતાં લોકોના પ્રિસ્ક્રિપ્શન ચેક કરી ડોકટર સાથે વાત કર્યા બાદ જ મુકિત આપવામાં આવશે. પરંતુ જે કિસ્સામાં જુના પ્રિસ્ક્રિપ્શન કે ખોટા બહાને બહાર નિકળ્યાનું સાબિત થશે તે વ્યકિત વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

પોલીસ દ્વારા ફોટોગ્રાફી અને વિડિયો સર્વેલન્સના પુરાવા સાથે ફરિયાદ નોંધાવાના કિસ્સામાં ગુનો સાબિત થતાં લોકડાઉનનો ભંગ કરનાર વ્યકિતઓને ૬ માસ સુધીની કેદની સજા થઈ શકે છે. સાથે સાથે જે યુવાનો સરકારી નોકરીમાં જોડાવા માંગતા હોય તેમને તથા નવો પાસપોર્ટ ઈસ્યુ કરાવવા ઈચ્છુક તેમની સામે ફરિયાદ થાય તો એવા લોકોને પોલીસ દ્વારા એન.ઓ.સી. ન મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિદેશમાં રહેતા અને હાલ વતન પરત ફરેલા લોકો જો લોકડાઉનનો ભંગ કરે તો ફરી વિદેશ ગયા બાદ કોર્ટ કેસમાં હાજરી આપવા વારંવાર સ્વદેશ આવવું પડે છે અને પાસપોર્ટ જપ્તી સુધીની કાર્યવાહી થઈ શકે છે. વધુમાં, સરકારી કર્મચારી દ્વારા લોકડાઉનનો ભંગ કરવાના કિસ્સામાં તેની સામે તપાસ થઈ શકે છે અને ગુનો સાબિત થતાં સજા થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે કાર્યરત લોકોને તેમની રાજકીય કારકિર્દીમાં નુકશાન થઈ શકે છે.

સલામત સામાજીક અંતર એ જ કોરોના વાયરસના ચેપથી બચવાનો એક માત્ર ઉપાય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી દરેક નાગરીકની પોતાની છે. તેનું યોગ્ય પાલન નહીં કરનાર વ્યકિતઓ વિરૂદ્ઘ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. માટે લોકડાઉનનું સ્વયંભુ પાલન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

નોવેલ કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હાલ પણ કેટલાક લોકો વિવિધ કારણો દર્શાવી તેનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકડાઉનનો ભંગ કરનાર આવી વ્યકિતઓ વિરૂધ્ધ ગુના નોંધવામાં આવી રહ્યા છે. જેની સામે ગુનો દાખલ થયો છે તેવી વ્યકિતઓને ભવિષ્યમાં અનેક કાયદાકીય પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. માટે લોકડાઉનને હળવાશમાં ન લેતાં ચેતી જવાની જરૂર છે.

ઘોઘા પોલીસનો સ્ટાફ કોળિયાક બીટમાં પેટ્રોલિંગ કરતો હતો તે દરમ્યાન ભુતેશ્વર ગામના વળી વિસ્તારમાં રહેતા વ્યકિત પોતાના હીરાના કારખાનામાં માણસો બોલાવી કામ શરૂ રાખેલ હોવાની હકીકત મળતા પોલીસે તપાસ કરતા કારખાનું શરૂ મળી આવતા કારખાનાના માલીક વિરુદ્ઘ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:38 am IST)