Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના વાયરસને લઇ તકેદારીના ભાગરૂપે

સુરેન્દ્રનગર સબ જેલમાંથી ૪૦ કેદીઓને ટેમ્પરરી મુકત કરાયા

 વઢવાણ તા. ૩૧: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ૭ વર્ષથી ઓછી સજા થઇ હોય તેવા કાચા-પાકા કામના કેદીઓને છૂટ આપી ઘેર જવા દેવાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને ભારત સહિત ગુજરાતમાં પણ પોઝીટીવ કેસો નોંધાયા છે અને અત્યાર સુધીમાં ૬ જેટલા લોકોના કોરોના વાયરસથી મોત પણ નિપજયા છે ત્યારે સરકાર તેમજ સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા જેલમાં સજા ભોગવતા કેદીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ન થાય અને કેદીઓની ભીડ ન થાય તે માટે કેદીઓને પેરોલ પર છોડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સબ જેલમાં સજા ભોગવતા કુલ ૪૦ જેટલા કેદીઓને મુકત કરવામાં આવ્યા હતાં.

સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે સબ જેલમાં સજા ભોગવતાં કેદીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે માટે કેદીઓને પેરોલ પર મુકત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટની સુચના મુજબ ૭ વર્ષથી નીચેની સજા પડેલ હોય તેવા અને સુરેન્દ્રનગર જેલમાં સજા ભોગવી રહેલ કાચા કામના અને પાકા કામના કેદીઓ સહિત અંદાજે ૪૦ જેટલા કેદીઓને પેરોલ પર મુકત કરવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ કોરોના વાયરસનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે જેલમાં કેદીઓ ભીડમાં રહેતા હોય છે જેને ધ્યાને લઇ કોરોના વાયરસનું સંક્રમણ થવાની સંભાવના વધુ હોય છે. આથી કેદીઓમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે તેઓને મુકત કરવામાં આવ્યા હતાં.

(11:32 am IST)