Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વીરનગરના સરપંચે લોકડાઉનના અમલ માટે અનોખો નુસખો અપનાવ્યો :ગામના તમામ ઓટલાઓ પર કાંટા પાથરી દેવાયા

ગામડામાં થતા ઓટલા પરિષદ અટકાવવા સરપંચ દ્વારા અનોખી પહેલ

રાજકોટ : દેશભરમાં લોકડાઉનની સ્થિતિમાંશહેરોની સાથે ગ્રામ્ય વિસ્તાર પણ લોકડાઉનમાં જોડાયો છે. શહેરમાં ઘણા એવા લોકો છે કે જે કોઈપણ કામ વગર પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે અને પોલીસ તેના પર કાર્યવાહી કરી રહી છે.ગામડાઓમાં પણ આવું જ કંઈક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં ભાભલાઓ એટલે કે મોટી ઉંમરના લોકો ઓટલા પરિષદ યોજી રહ્યા છે એટલે કે ગામના ચોરે બેસી ઓટલા પંચાયત યોજી રહ્યા છે. ગામના સરપંચ દ્વારા અનેક વખત સમજાવવા છતાં પણ આ ઓટલા પંચાયત બંધ નહિ થતા સરપંચ દ્વારા અનોખો નુસખો અપનાવ્યો છે.

રાજકોટ -  ભાવનગર હાઇવે પર આવેલા જસદણ તાલુકાના વિરનગર ગામમાં સરપંચ દ્વારા ગામના તમામ ઓટલાઓ પર કાંટા પાથરી દેવામાં આવ્યા છે જેથી કરી અને આ ઓટલા ઉપર કોઈ વ્યક્તિ બેસી ન શકે અને કલમ ૧૪૪ તેમજ લોકડાઉન નું સંપૂર્ણ રીતે અમલવારી પણ થઈ શકે. આમ તો આ નવતર પ્રયોગ પ્રથમ દ્રષ્ટિએ હાસ્યાસ્પદ લાગશે પરંતુ કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે યોગ્ય સમયે આવા પગલા લેવા ખૂબ જરૂરી બન્યા છે.

(12:04 am IST)