Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનાના લોકડાઉન દરમ્યાન સ્પેનની જેમ ભુજમાં પોલીસ બેન્ડની સુરાવલીથી સુની ગલીઓ ગુંજી

(ભુજ) કોરોનાના કારણે ચિંતિત માહોલ અને લોકડાઉનના કારણે અંદર જ રહેવાનું, આ માહોલમાં લોકોનું મનોબળ હકારાત્મક બનાવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે સ્પેન જેવી પહેલ કરી હતી. સુની ગલીઓમાં એકાએક સંગીતની સુરવલીઓ સંભળાતા ઘરમાં બેઠેલા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. થોડીવારમાં ફટાફટ બારીઓ ખુલી ગઈ અને બહારનું દ્રશ્ય જોઈ લોકોનું આશ્ચર્ય બેવડાયું હતું. પોલીસ બેન્ડ સંગીતની સુરવલીઓ સાથે ઘરમાં બંધ લોકોનું મનોરંજન કરી રહ્યું હતું. તેમાંયે 'સારે જહાંસે અચ્છા હિંદોસ્તા હમારા' ગીતે લોકોના હૃદય જીતી લીધા હતા. પશ્ચિમ કચ્છ પોલીસના એસપી સૌરભ તોલંબિયા વર્તમાન સમયમાં લોકડાઉન વચ્ચે સતત લોકોને મદદરૂપ બનવા સતત નવા વિચારો અમલમાં મુકતા રહે છે. હવે સ્પેનની જેમ જ ભુજમાં પોલીસ બેન્ડ દ્વારા લોકોની માનસિક તાણ હળવી કરવાનો તેમનો પ્રયાસ પ્રેરણાદાયી છે. પશ્ચિમ કચ્છ પોલીસની કડકાઈભરી કામગીરી વચ્ચે હેલ્પ લાઇન,  સેવાભાવી વલણ અને હવે સંગીતના સહારે માનસિક તાણ હળવી કરવાનો પ્રયાસ લોકોને પણ ગમી ગયો છે.

(9:56 pm IST)