Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પેપર ફૂટવા બાબતે મોરબી AAP દ્વારા ઉમેદવારોને ૫૦ હજારનું વળતર આપવા માંગ

 

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩૧ : ૨૯, જાન્‍યુઆરી ૨૦૨૩નો રવિવાર ગુજરાતના યુવાધન માટે કાળો રવિવાર બનીને રહ્યો જ્‍યારે જુનીયર ક્‍લાર્કની પરીક્ષા શરૂ થાયએ પૂર્વે જ પેપર ફૂટી ગયાના સમાચાર સામે આવ્‍યા, ત્‍યારે આ મામલે મોરબી AAP દ્વારા ગુજરાતના  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને પત્ર લખી પરીક્ષા વ્‍યવસ્‍થા સુરક્ષિત કરવાની અને દરેક ઉમેદવારની ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની માંગ કરી હતી.

 મોરબી આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી કે,  સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી જેને પગલે ૯.૫૩ લાખ યુવાનો અને તેના પરિવારના સપના રોળાઇ ગયા હતા. મોંધવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્‍તકો, વર્ગો, વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિધાર્થી ઓછામાં ઓછા ૫૦ હજાર રૂપિયા જેટલો જંગી ખર્ચ કરે અને પરીક્ષાના દિવસે જ અને ખબર પડે કે પેપર ફૂટી ગયું!,  વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના-નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે?

 આ સાથે તેમણે એવો પણ આક્ષેપ લગાવ્‍યો હતો કે,  ગુજરાતની જનતાએ ‘ભરોસાની ભા.જ.પ' સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર આપની સરકાર ખરી નથી ઉતરી. અને એક જવાબદાર વિરોધપક્ષ તરીકે AAP દ્વારા પરીક્ષા લક્ષી વિવિધ માંગ કરવામાં આવી હતી.

 જેમાં માંગ કરવામાં આવી હતી કે, અત્‍યાર સુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે, હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવળત ન્‍યાયાધીશના વડપણ હેઠળ સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમની રચના કરવામાં આવે, અત્‍યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે, હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા ૫૦,૦૦૦/- વળતર આપવામાં આવે, સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાંના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે.

(1:46 pm IST)