Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પોરબંદરમાં જુની કોર્ટ બિલ્‍ડીંગના રેકર્ડ રૂમમાં થતી ચોરીની ઉંડાણપુર્વક તપાસ કરાતી નથી

કલેકટરના ધ્‍યાને આવતા દિવાલ બનાવવાનું કામ ચાલુ કરાયું પરંતુ ચોરી થયેલ ફર્નિચર સહિત માલ અંગે પગલા લેવાતા નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૧: જુની કોર્ટના રેકર્ડ રૂમમાં ફર્નિચર સહિત માલ સામાનની ચોરીની ચર્ચાએ જોર પકડયુ છે. સુદામા ચોક  સામે આવેલ જુની કોર્ટ છેલ્‍લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. આ કોર્ટમાં રેવન્‍યુ તથા કોર્ટનું રેકર્ડ તથા ફર્નિચર પડયું છે અને અહી કોઇ રખેવાડી પણ નથી.

છેલ્લા ઘણા સમયથી રેકોર્ડ બહાર કાઢી રૂમમાંથી ફર્નિચરની ચોરી મોટા પાયે થાય છે. લાખોની કિંમતનું સરકારી ફર્નિચર ચોરાઇ ગયું છતા પણ કોઇ પગલા લેવાતા નથી. થોડા દિવસ પહેલા રજાનો લાભ લઇ ર રીક્ષા ભરાઇ તેટલો સામાન ચોરાઇ જતા અને રીક્ષા ભરાઇ જતા વિડીયો અને ફોટા પણ સામે આવ્‍યા છતા પણ આરોપીને હવેથી આવુ ન કરતા તેવો ઠપકો આપી જવા દેવામાં આવેલ છે. આ વખતે રીક્ષા નંબર સામે આવ્‍યા હોવા છતા અને આ ચોરીનો માલ કોને વેચાણ કર્યો તેની કોઇ તપાસ કે રીકવરી કરી નથી.

આ બાબતે જીલ્લા કલેકટરશ્રીને ધ્‍યાનમાં આવતા હાલ અંદર જવાના રસ્‍તે દિવાલ બનાવવાનું શરૂ કર્યુ છે. પરંતુ જે માલ ચોરાયો તેની કોઇ તપાસ કરતુ નથી. આ કોર્ટમાં રજાના દિવસે અને સાંજના સમયે આવારા તત્‍વો ભેગા થઇ અને અસામાજીક પ્રવૃતી ચાલુ કરે છે તેના માટે કઇ પગલા કે દરવાજા બંધ થશે કે કેમ? તેની લોકો રાહ જોઇ રહયા છે.

(1:45 pm IST)