Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ચોટીલા ચામુંડા પોલીસ ચોકી નજીકનાં મહંત પરિવારના રહીશો અસલામતી અનૂભવે છે!

દારૂડીયાઓ રહેણાંક રસ્‍તા ઉપર ફરતા હોવાની રાવ, ધોળે દિવસે સાયકલ ઉઠાંતરી CCTV માં કેદ

ચોટીલા તા. ૩૧ : ચામુંડાધામ પ્રવેશદ્વાર નજીક ચામુંડા પોલીસ ચૌકી પાસેનાં વિસ્‍તારમાં અસામાજીક બંદીઓ ફુલીફાલી હોવાની રાવ સાથે ધોળા દિવસે સાયકલ ચોરીની ઘટનાનો વિડીયો સાથે પોલીસમાં અરજી અપાતા ચકચાર મચેલ છે.

ચોટીલાના ચામુંડા રોડ પરની હાઈવે પોલીસ ચોકીથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આવેલ મકાન બહાર રાખેલી સાયકલની ધોળા દિવસે થયેલી ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે જેની લેખિત અરજી ચામુંડા મહંત પરિવારના મુકેશગીરી ગોસાઇએ પોલીસ સ્‍ટેશને કરી છે.

આ વિસ્‍તારમાં ચામુંડા ડુંગર ટ્રસ્‍ટનાં મહંત પરિવાર વસવાટ કરે છે લોકોનું કહેવું છે કે આ જાહેર રસ્‍તો ઘણાં લાંબા સમયથી સફાઇનો અભાવ રહેતા ગંદકીથી ખદબદે છે, આવારા,લુખ્‍ખા તત્‍વો મફતિયા પરામાં છૂટથી મળતો  દારૂ લેવા આ રસ્‍તાનો ઉપયોગ કરતા થયાં છે. ઘણીવારતો દારૂ પીધેલી હાલતમાં આ જાહેર  રસ્‍તા પર લથડીયા ખાતા પસાર થતાં હોય છે. ખાસ મહત્‍વનું એ છે માત્ર ૨૦૦ મીટરના જ અંતરે સીધો જ હાઈવે પોલીસ ચોકીએ ટચ થાય છે.

રાત્રીના જ નહીં પરંતું દિવસના પણ આજ રોડનો દારૂડીયાઓ છૂટથી ઉપયોગ કરે છે. રહીશોના મકાનના બારણાં ખટખટાવવાની પરેશાની વેઠવી પડે છે પોલીસનો ડર હવે અહીંના લૂખ્‍ખા તત્‍વોને બીલકૂલ ન રહ્યો હોય તેવું લાગે છે.

એકાદ માસ પહેલા જ માતાજીના ડુંગરના પગથીયા પર એક દારૂડીયો છાકટો બનીને ખેલ બતાવી રહ્યો હતો તેવો વિડીયો વાયરલ થયેલ યાત્રાધામમાં દારૂની બંદી ઉપર તવાઈ લાવવા માંગ ઉઠી છે

સાયકલ ઉઠાંતરી કરનારનો સ્‍પષ્ટ ચહેરો સીસીટીવી કેમેરામાં સામે આવેલ છે હવે જોવાનું એ રહે છે કે આ ઉઠાવગીર સુધી પોલીસનાં હાથ પહોંચે છે કે કેમ તે જોવાનું રહે છે.

(11:33 am IST)