Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઉપલેટાના મેરવદરમાં બાળકી પર દિપડો ત્રાટક્‍યોઃ મોત

મધ્‍યપ્રદેશનું દંપતિ અને બીજા મજૂરો કપાસ વીણતા'તા ત્‍યારે ૩ વર્ષની બાળકી લક્ષ્મીને ઉઠાવી દિપડો ભાગ્‍યોઃ ચીસાચીસ સાંભળી બધા પાછળ દોડતાં બાળાને મુકી દિપડો ભાગ્‍યોઃ સારવાર માટ ેખસેડવામાં આવી પણ જીવ ન બચ્‍યોઃ રાજકોટની હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૩૦: વાડી વિસ્‍તારમાં ઘણીવાર જંગલી જનાવરો હુમલો કરી લોકોને વ્‍યથા પહોંચાડતાં હોય છે. જેમાં ક્‍યારેક મોત પણ થતાં હોય છે. ઉપલેટાના  મેરવદરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં વાડીમાં મધ્‍યપ્રદેશનું દંપતિ તથા બીજા મજૂરો કપાસ વીણતાં હતાં ત્‍યારે દંપતિની ત્રણ વર્ષની બાળકી વાડીમાં જ રમતી હતી તેને ઉઠાવીને દિપડો ભાગ્‍યો હતો. બાળકીએ ચીસાચીસ કરી મુકતાં દંપતિ અને મજૂરો દિપડાની પાછળ દોડતાં બાળકીની પક્કડ છુટી ગઇ હતી અને દિપડો ભાગ્‍યો હતો. જો કે એ પહેલા બાળાને શરીરમાં દાંત-નહોર બેસાડી દીધા હોઇ બાળકી લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ જીવ બચી શક્‍યો નહોતો.

જાણવા મળ્‍યા મુજબ ઉપલેટાના મેરવદરમાં પ્રકાશભાઇ માધવજીભાઇ કરડાણીની વાડીમાં થોડા દિવસ પહેલા જ મજૂરી કામે આવેલા મુળ મધ્‍યપ્રદેશ જાંબુવાના નરવેલભાઇ પાંગુભાઇ ખરાડી ગઇકાલે સાંજે છએક વાગ્‍યે પોતાની પત્‍નિ તથા બીજા મજૂરો સાથે વાડીમાં કપાસ વીણવાની મજૂરી કરી રહ્યા હતાં ત્‍યારે તેની ૩ વર્ષની દિકરી લક્ષ્મી વાડીમાં જ થોડે દૂર રમી રહી હતી. આ વખતે ઓચીંતો દિપડો ત્રાટક્‍યો હતો અને બાળકી લક્ષ્મીને મોઢામાં ઉઠાવીને ભાગ્‍યો હતો.

બાળકીએ ચીસાચીસ કરી મુકતાં અવાજ સાંભળી બાળકીના માતા-પિતા અને બીજા મજૂરોએ અવાજની દિશામાં નજર કરતાં દિપડો બાળકીને લઇને ભાગતો દેખાતાં હાકલા પડકારા કરી દિપડાનો પીછો કર્યો હતો. આ કારણે દિપડાના મોઢામાંથી બાળકીની પક્કડ છુટી ગઇ હતી અને દિપડો ભાગી ગયો હતો. જો કે બાળાને દાંત-નહોર બેસી ગયા હોઇ ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ ગઇ હતી અને લોહીલુહાણ થઇ ગઇ હતી.

બનાવની જાણ થતાં વાડી માલિક પ્રકાશભાઇ પટેલ સહિતના વાડીએ પહોંચ્‍યા હતાં અને ઘાયલ થયેલી બાળા લક્ષ્મીને ઉપલેટાની હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ તબિબે તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ભાયાવદર પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરી હતી. સ્‍થાનિક હોસ્‍પિટલ દ્વારા ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ જરૂરી હોવાનો અભિપ્રાય અપાતાં પોલીસે બાળાના મૃતદેહને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

વધુ માહિતી મુજબ દિપડાના હુમલામાં મોતને ભેટેલી લક્ષ્મી બે બહેનમાં મોટી હતી. તેના માતા-પિતા અગાઉ મેરવદરની બાજુની અન્‍ય વાડીમાં મજૂરી કરતાં હતાં. પંદરેક દિવસ પહેલા જ તેઓ પ્રકાશભાઇની વાડીએ મજૂરીમાં રહ્યા છે. વાડી માલિકના કહેવા મુજબ દોઢ બે મહિના પહેલા પણ કેટલાક લોકોએ દિપડાને જોયો હતો. આ અંગે ખાતાને જાણ કરવામાં આવી હતી. ખાગેશ્રી આસપાસ જંગલ વિસ્‍તાર હોઇ અને પહાડી વિસ્‍તાર હોઇ એ તરફથી કદાચ દિપડો આવ્‍યાો હોવાની શક્‍યતા છે.

(11:08 am IST)