Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ચુડાના છતરીયાળાના જવાન લવજીભાઇ મકવાણા શહિદ

લડાખમાં બરફના તોફાનમાં મોત નિપજતા અરેરાટી : માન સન્માન સાથે સાંજે અંતિમવિધી

વઢવાણ : પ્રથમ તસ્વીર શહિદ વિર જવાનનો ફાઇલ ફોટો, બીજી તસ્વીરમાં તેમના નિવાસ સ્થાને ગ્રામજનો તથા વિર શહિદ જવાનના બંન્ને પુત્રો નજરે પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ-વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩૧ : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છતરીયાળા ગામનો યુવાન લદાખમાં સરહદ ઉપર ફરજમાં હતા ત્યારે બરફ વર્ષા થવાના કારણે એકાએક ખાણ પસવાના બનાવમાં ખાણમાં દબાઇ જવાના કારણે શહિદ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના (ઝાલાવાડ) જિલ્લાના ચુડા તાલુકાના વતની અને છતરીયાળા ગામના રહેવાસી આર્મીમાં ઇ.એમ.ઇ. બટાલીયન રેજીમેન્ટમાં ૧/૯ ગ્રુપમાં લેહ લડાખ ખાતે ફરજ બજાવતા હવાલદાર લવજીભાઇ માવજીભાઇ મકવાણા પોતાની ફરજમાં રોકાયેલ હતાં.

તે દરમિયાનમાં ભારે હિમવર્ષા થવાના કારણે હિમપાતના તોફાનમાં શહિદ થવા પામ્યા હતાં.

આ વિર શહિદ લવજીભાઇ માવજીભાઇ મકવાણાના પાર્થિવદેહને માદરે વતન લાવવા માટે આર્મીના જવાનો અમદાવાદથી ચુડા તાલુકાના છતરીયાળા ગામે આજે આમી કારમા લાવવામાં આવનાર છે ત્યારે બપોર બાદ આર્મી જવાનો દ્વારા સલામી સાથે તેના માદરે વતન અંતિમક્રિયા કરવામાં આવનાર છે ત્યારે ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

આર્મીમેન જવાન બરફના તોફાનમાં શહિદ થવાની ઘટના અંગેની જાણકારી મળતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ઉદીત અગ્રાવત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી લીંમડી ચુડા મામલતદાર અને લીંમડી ડીવાયએસપી પી.જી. જાડેજા સહિતના કર્મીઓ પણ છતરીયાળા જવાન આર્મીમેનના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

લવજીભાઇ મકવાણા આર્મીમેન શહિદ થયા છે ત્યારે તેમના સુખીલગ્ન જીવનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે તેના નિવાસ સ્થાને ભારે શોકના માહોલ વચ્ચે ગામના અને આજુબાજુના ગામના લોકો શહિદ વિર લવજીભાઇ મકવાણાના નિવાસ સ્થાને એકઠા થયેલા.

(5:16 pm IST)