Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ભાવનગરના રજપૂત યુવાનની હત્યાના કેસમાં વધુ એક આરોપીને આજીવન કેદઃ આરોપી બનાવ બાદ નાસી ગયેલ

અગાઉ કોર્ટે બે આરોપીને સજા ફટકારેલ જયારે નાસી ગયેલ આરોપી, તુષારગીરી ઉર્ફે માયો ઝડપાઇ જતાં કોર્ટ તકસીરવાન ઠરાવી સજા ફટકારી...

ભાવનગર તા. ૩૧ :.. પાંચક વર્ષ પુર્વે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, સહકારી હાટ પાસે રજપૂત યુવાનની લાલા અમરા આલગોતર ભરવાડ સહિતનાઓએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી આ અંગેનો કેસ જે તે સમયે પ્રથમ પાંચ આરોપીઓ સામે ચાલી જતા તે વખતના ન્યાયમૂર્તિએ મુખ્ય આરોપી લાલા અમરા અને તેના ભાણેજને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી.

જયારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતાં. જયારે આ હત્યા કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી નાસતો ફરતો હોઇ તે આરોપીને પોલીસે ઝડપી લઇ ભાવનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આ આરોપી સામે કેસ ચાલી જતા મંગળવારે આ આરોપી સામેનો હત્યાનો ગુનો સાબીત માની આરોપીને આજીવન સખ્ત કેસની સજા અને  રોકડા રૂ. ૧૦ હજારનો દંડ અત્રેની અદાલતે ફટકાર્યો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને ભાવનગર શહેરના સહકારીહાટ પાસે આવેલ ઇન્ડીયન ગેસ એજન્સીમાં બાટલાની ડીલીવરી મેન તરીકે નોકરી કરતા શ્રમીક યુવાન ભરતભાઇ હીરાભાઇ રાઠોડ રજપૂત નામનો શ્રમીક યુવાન છેલ્લા ૧પ વર્ષથી ગેસ એજન્સીમાં કામ કરતો હતો ગુજરનાર ના મોટા ભાઇ બળવંતભાઇ ઉર્ફે ગલાભાઇ હીરાભાઇ બારડે ફરીયાદીના એક વર્ષ પહેલા તેમના કાકા બળવંતભાઇ ઉર્ફે ગલાભાઇ ના દિકરા જગદીશભાઇ લાલા અમરા ભરવાડ પાસેથી હુસેનભાઇના દિકરા લાલાએ વ્યાજે પૈસા અપાવેલા જે પૈસા લાલાએ પરત નહી આપતા લાલા અમરા તથા ફિરોજે એક વર્ષ પૂર્વે બળવંતભાઇ તથા તેના પુત્ર જગદીશને માર માર્યો હતો. જેની દાઝ રાખી બળવંતભાઇ ના ચાર દિકરા જગદીશ, ગોપાલ, દિપક, અને કમલેશે બનાવના ૧૧ માસ પૂર્વે ફિરોજખાનની હત્યા કરી નાખી હતી.

આ હત્યાની અદાવત રાખી લાલા અમરા ભરવાડ અને ફીરોજખાન ખાસ મિત્રો હોય અને તેના મિત્ર ફીરોજની  હત્યા થઇ હોવાથી  તેની દાઝ રાખી લાલા અમરા ભરવાડ અને તેના સાથીદારોએ ગત તા. ૧૯-ર-ર૦૧ર નાં રોજ એકસંપ કરી ભરત હિરાભાઇ બારડ ઉપર જીવલેણ હૂમલો કર્યો હતો અને છરીના ૧૦ જેટલા આડેધડ ઘા ઝીંકી દેતા ભરતભાઇ બારડનું મોત નિપજયુ હતું.

આ અંગેનો કેસ જે તે સમયે ભાવનગરની અદાલતમાં ચાલી જતા મુખ્ય આરોપી લાલા અમરા ભરવાડ અને તેના ભાણેજ સામે હત્યાનો  ગુનો સાબીત માની અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે અન્ય ત્રણ આરોપીઓ ને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકયા હતાં. જયારે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી તુષારગીરી ઉર્ફે માયો મહેશગીરી  ગૌસ્વામી નામનો આરોપી બનાવ તારીખ થી નાસતો ફરતો હતો આ આરોપી સામેકેસ ચલાવવાનો બાકી હોય આ આરોપી ૧૦-પ-ર૦૧૭ નાં રોજ ઝડપાઇ જતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા અને તેની સામેનો કેસ ચાલી જતા ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે. જે. પંડયાની અદાલતમાં કેસ ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, લેખીત અને મૌખીક, પુરાવા ર૯, દસ્તાવેજી પુરાવા ર૯, ધ્યાને લઇ આરોપી તુષરગીરી ઉર્ફે માયો મહેશગીરી ગૌસ્વામી સામે ઇપીકો કલમ ૩૦ર, મુજબના શિક્ષાપાત્ર ગુના માટે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૧૦ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજામ ઇપીકો કલમ પ૦૪ મુજબના ગુનામાં ૬ માસની સજા રોકડા રૂ. એક હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૧પ દિવસની અદાલતે સજા ફટકારી હતી. (પ-૮)

(10:36 am IST)