Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

જામકંડોરણામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જામકંડોરણા : રાજકોટ જિલ્લા કક્ષાના ૬૯માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કુમાર છાત્રાલય સામેના ગ્રાઉન્ડમાં થઇ હતી. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સલામી જીલી હતી. આ પ્રસંગે પરેડ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન તથા સતાયુ મતદારોનું સન્માન, જુદી જુદી શાળાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, આવાસ યોજનાના લાભાર્થીઓને મંત્રીના હસ્તે પ્રમાણપત્ર વિતરણ તથા ચાવી અર્પણ, સખી મંડળોને ચેક અર્પણ, જામકંડોરણા તાલુકાની શ્રેષ્ઠ શાળાઓને ઇનામ તથા ચેક વિતરણ, ત્રણ શ્રેષ્ઠ ટેબલો તથા ત્રણ શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓનું સન્માન, વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન, વિકાસકામોનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ મંત્રીના હસ્તે કરાયું હતું. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે, આપણે તો વર્ષમાં માત્ર બે જ દિવસ ૧૫મી ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રભકિતમાં વિતાવીએ છીએ. જ્યારે આઝાદીના લડવૈયાઓએ તો જીવનની એક એક ક્ષણ દેશ માટે આપી દેશને આઝાદી અપાવી છે. દેશભકિત અને દેશદાઝ વિશે જણાવેલ કે, દેશભકિત માટે સરહદ ઉપર જવું જરૂરી નથી. રાષ્ટ્રપ્રેમ દીલમાંથી પ્રગટે છે નિષ્ઠા અને પ્રમાણીકતાથી જીવવાની જરૂર છે. આ કાર્યક્રમમાં આકર્ષક ટેબલો, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પ્રાંત અધિકારી જોષી, મામલતદાર શ્રી અપારનાથી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, વિઠ્ઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ, મનસુખભાઇ ખાચરીયા, દિગુભા જાડેજા સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ તેમજ જિલ્લા તથા તાલુકામાંથી સરકારી વિભાગના અધિકારીઓ અને તાલુકાભરમાંથી વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. (તસ્વીર - અહેવાલ : મનસુખ બાલધા, જામકંડોરણા)

(9:38 am IST)