Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ઝવેરચંદ મેઘાણીના પુત્ર તથા પિનાકી મેઘાણીનાં પિતા સ્વ.નાનકભાઇ મેઘાણીને સ્મરણાંજલી અર્પણ

રાજકોટઃરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેદ્યાણીના પિતા સ્વ. નાનકભાઈ ઝવેરચંદ મેદ્યાણીની ૮૮મી જન્મજયંતીએ ઝવેરચંદ મેદ્યાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે સ્મરણાંજલિ કાર્યક્ર્મ યોજાયો હતો. નવી પેઢી આપણાં ગૌરવવંતા સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોઘોગ મંડળ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા, આજીવન ખાદીધારી, સાદગીભર્યું-સાત્વિક જીવન જીવનાર સ્વ. નાનકભાઈ મેઘાણી ઉત્ત્।મ પુસ્તકો યુવા પેઢી સુધી પહોચે તે માટે આજીવન કાર્યશીલ રહ્યા હતા જે ખાસ ઉલ્લેખનીય છે.

વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ)એ, એક સ્વજનની તરીકે લાગણીથી પ્રેરાઈને, જૂનાં સદાબહાર ગીતો થકી સ્વ. નાનકભાઈ મેદ્યાણીને સ્વરાંજલિ અર્પણ કરી હતી. તુષારભાઈ દ્વારા દેશપ્રેમ-ભકિત-સંગીતની હ્રદયસ્પર્શી રજૂઆતથી સહુ ભાવવિભોર બની ગયા હતા.

બોટાદ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-શિક્ષણ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ ડાભી અને મંત્રી હરદેવસિંહ રાણા, નાયબ પોલીસ અધિક્ષક ડો. જે. જે. ગામિત, પોલીસ ઈન્સપેકટર એચ. આર. ગોસ્વામી અને જે, વી. ચૌધરી, બોટાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુપરવાઈઝર જયસુખભાઈ પરસાણા, અગ્રણીઓ વિનુભાઈ સોની, જીવાભાઈ રબારી, નરેન્દ્રભાઈ દવે, સિરાજભાઈ નરસીદાણી અને અનિરુધ્ધસિંહ ચાવડા, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા, શિક્ષણવિદ્ નારણભાઈ પટેલ, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના મુકુન્દભાઈ વઢવાણા અને ચંપકસિંહ પરમાર, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, સર્વોદય સ્કૂલના અશોકસિંહ ડોડીયા, ધંધુકાથી યાકુબભાઈ કોઠારિયા (પૂર્વ તલાટી) અને લલિતભાઈ વ્યાસ, લીંબડીથી ચંદ્રકાંતભાઈ નિર્મલ, શામજીભાઈ છત્રોલા અને હર્ષદભાઈ સોલંકી, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના કાર્યાલય મંત્રી હઠીસિંહ ઝાલા, એનઆઈડીસી (દિલ્હી)ના પૂર્વ ચીફ એન્જિીનયર જે. પી. ગોહિલ, બેંકર મહેશભાઈ ખાચર, રમેશભાઈ પટેલ, ભજનિક નરેશભાઈ વાદ્યેલા, નીરવભાઈ ડાભી અને પાંચાભાઈ બોળીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી રહી.

કલા અને સંગીત આત્મા માટેનો સર્વોત્ત્।મ ખોરાક છે તેમ તબલા-વાદનમાં નિપુણ અને શાળા-કોલેજ દરમિયાન રાષ્ટ્રીયકક્ષાની અનેક હરિફાઈમાં ભાગ લઈને પારિતોષિક સન્માનિત થનાર પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું. એમના દ્વારા જ પરિકલ્પિત વડિલોને સહાયરૂપ બોટાદ પોલીસ દ્વારા ગુજરાતનો સહુપ્રથમ નવતર અભિગમ 'દાદા-દાદીના દોસ્ત'વિશે માહિતી આપી હતી. ૨૬ જાન્યુઆરીના રોજ ખાસ બાળકો માટે શરૂ કરાઈ 'સંવેદના'યોજના હેઠળ અત્યાર સુધી બોટાદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનાં ૭૦૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓને આવરી લેવાયા છે તેમ જણાવ્યું હતું. ખાદી ભવનની મુલાકાત લઈને ખાદી-કાર્યને પણ રસપૂર્વક નિહાળ્યું. સ્વ નાનકભાઈના મહાત્મા ગાંધી અને પિતા ઝવેરચંદ મેદ્યાણી સાથેનાં લાગણીસભર સંભારણાંને પિનાકી મેદ્યાણીએ વાગોળ્યાં હતાં. ૩૦ વર્ષથી ખાદી-ક્ષેત્રે કાર્યરત ગોવિંદસંગ ડાભીએ યુવા પેઢીને ખાદી પહેરવા તેમજ ખરીદવાની પ્રેરણા આપી હતી. આ પ્રકારનાં વિશિષ્ટ કાર્યક્ર્મનું તાલુકા-ગ્રામ્ય સ્તરે સહુપ્રથમ વખત આયોજન થયું છે તેવી સહુકોઈની લાગણી રહી હતી.

રાણપુર પોલીસ સ્ટેશન પાસે આવેલ પૂર્ણ-કદની મેઘાણી-પ્રતિમાને પોલીસ-પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ થઈ હતી. ચોટીલાની પોલીસ-લાઈનમાં પોલીસ-પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીનું ગુજરાત પોલીસ લાઈન-બોય તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે જે ખાસ ઉલ્લેખનીય છે.

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી,

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:54 pm IST)