Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુક્કા બોલાવતી ઠંડીઃ ૯ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો પ થી ૧૦ ડિગ્રી વચ્ચે

પારો સડસડાટ નીચે ઉતર્યોઃ ગરમ વસ્ત્રો અને તાપણાનાં સહારે લોકોઃ ઠંડીના કારણે જનજીવનને વ્યાપક અસરઃ ગિરનાર પર્વત-૫.૪, નલીયા-૬.૦, ભુજ-૭.૨, રાજકોટ ૮.૩ ડિગ્રી

પ્રથમ તસ્વીરમાં ધારી અને બીજી તસ્વીરમાં માળીયામિંયાણા પંથકમાં ઠંડીથી બચવા તાપણા તથા ત્રીજી તસ્વીરમા ગોંડલમા વાદળછાંયુ વાતાવરણ નજરે પડે છે. (તસ્વીરઃ કાંતીભાઇ જોષી (ધારી) રજાક બુખારી (માળીયા મિંયાણા), ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા.૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી સાથે શિયાળાનો માહોલ બરાબરનો જામ્યો છે આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૫.૪ ડિગ્રી જયારે કચ્છના નલીયામાં ૬.૦ ડિગ્રી રાજકોટમા ૮.૩ ડિગ્રી જામનગર ૯.૨ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌરાષ્ટ્ર-કચ્છના ૯ શહેરોમા લઘુતમ તાપમાનનો પારો પ થી ૧૦ ડિગ્રી વચ્ચે રહ્યો છે.

કડકડતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે અને જનજીવનને પણ વ્યાપક અસર થઇ છે.

જુનાગઢ

જુનાગઢઃ ગિરનાર ખાતે આજે સતત બીજા દિવસે પણ હાડ થીજાવતી ૫.૪ ડિગ્રી કાતિલ ઠંડી રહેતા આ પર્વતીય વિસ્તાર ટાઢોબોળ થઇ ગયો હતો.

જયારે જુનાગઢમાં ૧૦.૪ ડિગ્રી ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવનને ભારે અસર થઇ છે. કાંતિલ ઠંડી અનુભવાઇ હતી.

આજથી ઠંડીને લઇ ગિરનાર ખાતેના પાણીનાં ટાકા, જળસ્ત્રોત બફીલા થઇ ગયા હતા અને કરફયુ જેવી વાતાવરણ રહ્યુ હતું.

વહેલી સવારે યાત્રિકોએ તીવ્ર ઠંડીને કારણે ગિરનારની યાત્રા ટાળી હતી.

જુનાગઢમાં આજે પણ ૧૦.૪ ડિગ્રી તાપમાન રહેતા ઠંડીએ હાહાકાર મચાવ્યો હતો બીજા દિવસે પણ ૧૦.૪ ડિગ્રી  ઠંડી રહેતા લોકોમાં રોજીંદા કામકાજ, વ્યવહારને અસર થઇ હતી.

આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૩૬ ટકા થઇ જતા ઠારનું પણ આક્રમણ થયુ હતું. ૨.૬ કિમીની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતા ઠંડીની અસર બેવઠાઇ હતી.

જામનગર

જામનગરઃ શહેરનુ લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી, મહતમ ૨૩.૬, ભેજ ૭૩ ટકા ઙ્ગઅને પવનની ઝડપ ૫.૨ કિમી રહી છે.

જામનગર જિલ્લામાં હાલમાં તાપમાન નીચું ગયું છે. ઠંડીની વધુ અસર વર્તાઈ રહેલ હોઈ ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર,મફલર,ગરમ ટોપીનો ઉપયોગ કરવો,વધુઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃદ્વ તેમજ બીમાર વ્યકિતઓ અને નાના બાળકોએ શકય હોય ત્યાં સુધી દ્યરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું,ઠંડીથી બચવા રૂમના બારી બારણાં બંધ રાખવા,સવારના સમયઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં બેસવું,ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાનામાં/ખાનગી તબીબનો સંપર્ક કરી જરૂરી સારવાર લેવી,ઙ્ગઠંડી દરમિયાન વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો,ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ,કોપરેલ,વેસેલીન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો શકય હોય તો સાદા સાબુના બદલે ગ્લિસરીનયુકત સાબુનો ઉપયોગ કરવો તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

ધારી

ધારીઃ ધારીમાં બે દિવસથી શીયાળાની ફુલ ઠંડીમાં લોકો ગરમ તાપણા કરીને તાપણા કરતા જોવા મળેલ હતા ધારીમાં લોકો ગરમ કપડાં કોટ ધાબળા જર્સી ટોપી મફલર પહેરીને ઠંડા પવનો ફૂંકાતા ઠંડીથી રાહત મેળવવા ગરમ વસ્ત્રો પહેરીને જ જોવા મળેલ હતા ધારી સહેર ફરતું ખોડીયાર ડેમના પાણી ભરેલા હોવાથી ધારીમાં આજે વધારે ઠંડી પડેલ હતી ધારીમાં સમીસાંજે ઠંડી વધારે પડવાથી વહેલી દુકાનો બંધ જોવા મળેલ હતી.

માળીયામિયાણા

માળીયામિંયાણાઃ પંથકમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા જનજીવન પ્રભાવિત સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો જોરદાર ચમકારો રણકાંઠામાં ઠંડા પવનો ફુંકાતા પંથકમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયુ ઠંડીથી બચવા લોકો તાપણાના સહારે તાલુકા પંથકમાં છેલ્લા બે દિવસથી પડતી કડકડતી ઠંડીથી શિયાળો તેના અસલી મિજાજમાં આવ્યો હોય તેમ ઠંડીનુ પ્રમાણ વધતા લોકો ધ્રુજી ઉઠયા છે અને પંથક પર અસહ્ય ઠંડીનુ મોજુ ફરી વળતા અપડાઉન કરતા નાના વાહન ચાલકો વહેલી સવારે કાંપતા જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ઉંચકાતા ઠંડીનો જોરદાર ચમકારો લોકોને સહન કરવો પડી રહ્યો છે રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સુસવાટા મારતા ઠંડા પવનોથી શિતલહેર છવાઈ ગઈ છે અને કોલ્ડવેવની સ્થિતિ સર્જાય હોય તેમ સવારે મોડે સુધી જનજીવન અસ્તવ્યસ્ત રહે છે અને લોકો મોડે સુધી સાલ સ્વેટર કે મફલર ટોપામાં સજ્જ જોવા મળે છે જેથી દિવસ દરમિયાન લોકો ગરમ કપડા પહેરવાની ફરજ પડી રહી છે તીવ્ર ઠંડીના કારણે સવારે સ્કુલ જતા બાળકોને ભારે પરેશાની થઈ રહી છે તો કામ અર્થે જતા લોકો પણ વાહનમાં ઠુંઠવાતા નજરે ચડ્યા તેમજ મુંગા અબોલ જીવો પણ કોકળુ વળી પોતાને હુંફ આપતા કેમેરામાં કંડરાયા હતા આમ હાડ થીજાવતી કડકડતી ઠંડી સાથે સુસવાટા મારતા પવનોથી જનજીવન ખાસુ પ્રભાવિત થયુ છે જે કોલ્ડવેવની અસર સમગ્ર જીવો પર વર્તાઈ રહી છે ઠંડીથી બચવા વેજલપર ગામે યુવાનો તાપણુ કરી ગરમ હુંફ મેળવતા નજરે પડે છે.

જસદણ

જસદણઃ જસદણમાં ઠંડીનો એવો સપાટો બોલ્યો છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે રાજ્ય અને દેશના અન્ય રાજ્યોના નગરોમાં ઠંડીનો કહેર એવો પડી રહ્યો છે કે લોકો રીતસરના ઠુંઠવાય રહ્યાં છે ત્યારે જસદણમાં પણ સામાન્ય રફતારને સજ્જડ બ્રેક લાગી ગઇ હોય એવો ઘાટ ઘડાયો છે શહેરમાં વહેલી સવારથી બપોર સુધી જાણે કરફર્યુ હોય એમ બજારો ખાલીખમ જોવા મળી રહી છે રહેઠાણ રોજગારની જગ્યાઓમાં પણ તાપણાં થઇ રહ્યાં છે લોકો આખો દિવસ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે આજે સવારે ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું આવા કોલ્ડ વેવ વચ્ચે વહેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે ત્યારે શહેરમાં સવારનો શાળાનો ટાઇમમાં ફેરફાર કરી સંચાલકોએ આઠ વાગ્યાનો કરવાં વાલીઓમાં વ્યાપક માંગ ઉઠવા પામી છે

ગુજરાતમાં ઠંડીનો ૧૨ વર્ષનો રેકોર્ડ તુટ્યો

ગાંધીનગર તા.૩૦: ઉત્તર પૂર્વ દિશાના પવનના કારણે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના સૌથી ઠંડું કચ્છનું નલિયા રહ્યું છે. જો ડિસેમ્બર માસના છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. ઠંડીમાં થયેલા વાતાવરણના કારણે માઉન્ટ આબુમાં પણ તાપમાન ગગડી જતા લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ગુરૂવારથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩૬ કલાક સુધી રાજ્યમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન ૧૨ ડિગ્રીથી ઓછું જોવા મળ્યું છે.

કયાં કેટલી ઠંડી ?

શહેર

 લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૫.૪ ડીગ્રી

નલીયા

૬.૦  ''

અમદાવાદ

૧૨.૫ ''

ડીસા

૮.૭ ''

વડોદરા

૧૩.૨ ''

સુરત

૧૩.૮ ''

રાજકોટ

૮.૩ ''

ભાવનગર

૧૨.૦ ''

પોરબંદર

૯.૦ ''

વેરાવળ

૧૪.૦ ''

દ્વારકા

૧૩.૬ ''

ઓખા

૧૭.૫ ''

ભૂજ

૭.૨ ''

જૂનાગઢ

૧૦.૪ ''

સુરેન્દ્રનગર

૧૦.૦  ''

ન્યુ કંડલા

૯.૦ ''

કંડલા એરપોર્ટ

૯.૫ ''

જામનગર

૯.૨ ''

ગાંધીનગર

૧૦.૮ ''

મહુવા

૧૧.૯ ''

દિવ

૧૩.૮ ''

વલસાડ

૧૫.૧ ''

વલ્લભવિદ્યાગર

૧૨.૩ ''

(1:10 pm IST)