Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાના બળોલ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આણંદપર ગામ અને બળોલ ગામે ગ્રામજનોએ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું કર્યું ઉષ્માભેર સ્વાગત

સુરેન્‍દ્રનગર:કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં ૧૫મી નવેમ્બરથી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત  સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાના બળોલ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માનનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના સહિતની યોજનાઓનો લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જિલ્લાના વિવિધ ગામોમાં સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી પહોંચાડવામાં આવશે.

ધારાસભ્ય કિરીટસિંહ રાણા અહિતના મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે,લીંબડી તાલુકાના આણંદપર અને બળોલ ગામ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ દરમિયાન બંને ગામમાં રથનું આગમન થતાં જ ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ સંદેશો નિહાળ્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રસંગે આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.

આણંદપર ગામ ખાતે ૪૩ અને બળોલ  ગામ ખાતે ૫૩ લોકોએ આરોગ્ય કેમ્પ અંતર્ગત તપાસ પણ કરાવી હતી. ઉપરાંત "મેરી કહાની,મેરી ઝુબાની" અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી.

(12:37 am IST)