Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

જન જન સુધી લોકકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના નિર્ધાર સાથે કુકમા ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આગમન

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકનો સહકાર જરૂરી:ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા: આત્મનિર્ભર અને વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા કુકમાના ગ્રામજનોએ સામુહિક શપથ લીધા : લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું

ભુજ:છેવાડાના નાગરિકો સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા કચ્છ જિલ્લામાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ ફરી રહી છે. ત્યારે તમામ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડીને સો ટકા લક્ષ્યાંકને હાંસલ કરવાના ધ્યેયમંત્ર સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’  ભુજ તાલુકાના કુકમા ગામ પહોંચતા ગ્રામજનોએ સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

ગ્રામજનોની હાજરી વચ્ચે અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રત્યેક જનકલ્યાણકારી યોજનાકીય માહિતી અને લાભો જિલ્લાના ઘર-ઘર સુધી પહોંચાડીને ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરવાની દિશામાં સુદ્રઢ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે નાગરિકો પણ આ જાણકારી અન્યો નાગરિકો સુધી પહોંચાડીને આ અભિયાનને સાર્થક બનાવે.

વધુમાં ધારાસભ્યએ ઉમેર્યુ કે, સરકારએ શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ,  ખેતી સહીત દરેક ક્ષેત્રની યોજનાઓ અમલી કરી છે. તેમણે આ તકે આરોગ્ય વિભાગ અને આઇસીડીએસ વિભાગની કામગીરીને બિરદાવી હતી. તેમણે ભારતને વિકસિત બનાવવું હશે તો દરેક નાગરિકોને ફાળો આપવા પડશે તેવું જણાવતા યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ વેળાએ સૌએ વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત અને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટેની સામૂહિક શપથ લીધા હતા. ઉપરાંત, વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. જે ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળી હતી. કાર્યક્રમમાં સહભાગી થયેલા ગ્રામજનોએ વિવિધ વિભાગોના પોસ્ટર, બેનર (આઈ.ઈ.સી. પ્રવૃત્તિ) થી યોજનાકીય માહિતી મેળવી હતી. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ લાભાર્થીઓએ પોતાની સફળવાર્તા પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવની પ્રક્રિયા અંગેના ડેમોનું ખેડૂતોએ જાતનિરિક્ષણ કર્યું હતુ. સમયખર્ચમાં ઘટાડો કરતી ડ્રોન ટેક્નોલોજી અંગે ખેડૂતોને વિગતવાર જાણકારી આપવામાં હતી. વધુમાં ઉપસ્થિત અતિથિ વિશેષ અને ઉચ્ચ અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.

આ સંકલ્પ યાત્રાના કાર્યક્રમ પ્રસંગે ગામ સરપંચ રસીલાબેન રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરીને આ યાત્રાનો હેતું સમજાવ્યો હતો.

આ પ્રસંગે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભચુભાઇ મહેશ્વરી, મામલતદાર બી.એન.શાહ, એટીડીઓ જિગ્નેશ પરમાર, મેડીકલ ઓફીસર ડો.કેશવકુમાર સિંઘ, મહિલા અને બાળ વિભાગના ફોરમબેન વ્યાસ સહિતના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:33 am IST)