Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મતદારોના અકળ મૌન વચ્‍ચે કાલે સોરઠની પાંચ વિધાનસભા બેઠક માટે મતદાન

૧૧૭૪૪ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે : ૧૨૭૨૩૦૭ મતદારો ૩૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરશે : ૧૪૧૩૪૭ મતદાન મથક ઉપર ૫૩૮૪નો સ્‍ટાફ : જડબેસલાક બંદોબસ્‍ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: આખરે મતદારોને તેમના કિંમતી મત થકી પસંદગીના ઉમેદવારની પસંદગી કરી જનપ્રતિનિધી-ધારાસભ્‍ય તરીકે ચુંટીને ગુજરાત વિધાનસભામાં મોકલવાનો સમય આવી ગયો છે અને જેનું કાઉન્‍ટ-ડાઉન પણ શરૂ થઇ ગયુ છે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં યોજાનાર ચુંટણીનું મતદાન આવતીકાલે સવારના ૮ થી શરૂ થવાનું છે. સાંજના પાંચ વાગ્‍યા સુધી ચાલનારા મતદાન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બસ મતદાન શરૂ થવાની પ્રતિક્ષા થઇ રહી છે.

પ્રથમ ચરણમાં જુનાગઢ જિલ્લાની જુનાગઢ, વિસાવદર, માણાવદર, કેશોદ અને માંગરોળ વિધાનસભા બેઠક માટે મતદાન કાલે આઠનાં ટકોરે શરૂ થવાનું છે.

જિલ્લાની પાંચ બેઠક માટે કુલ ૩૪ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ થશે. આ માટે ૧૨૭૨૩૦૭ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

પાંચ બેઠકનાં મતદાન માટે તંત્ર દ્વારા ૧૩૪૭ મતદાન મથક પર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ છે. ચુંટણી ફરજ માટે ૫૩૮૪નો સ્‍ટાફ ગોઠવવામાં આવ્‍યો છે. જિલ્લામાં બેઠક વાઇઝ ૭ મળીને ૩૫ સખી મતદાન મથકો, તેવી જ રીતે વિધાનસભા બેઠક વાઇઝ એક-એક મળીને પીડલ્‍યુડી કર્મચારી આધારિત મતદાન મથકો હશે.

જિલ્લામાં એક માત્ર જુનાગઢ વિધાનસભા બેઠક પર એક ઙ્ખંગ મતદાન મથક મળીને કુલ ૪૧ ખાસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્‍યા છે. આમ ૧૩૭૪ મતદાન મથકોમાંથી ૮૦૦ થી વધુ મતદાર હોય તેવા ૯૨૩ અને ૮૦૦થી ઓછા મતદાર હોય તેવા ૩૯૩ મતદાન મથકો પર જે તે મુજબનો સ્‍સ્‍ટોર મુકવામાં આવશે.

જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના કુલ ૩૪ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડાશે. મોટા ભાગની બેઠક પર ત્રિપાંખીયો જંગ છે અને મતદારોનું અકળ મૌન છે. મતદાતાઓએ તેમનું મત મન હજુ કળવા દીધુ નથી. જેથી આશ્‍ચર્યજનક પરિણામ આવ્‍યે તેવી શકયતા નકારી શકાતી નથી.

૮૬ - જુનાગઢ બેઠક પર સંજય કોરડીયા (ભાજપ), ભીખાભાઇ જોષી (કોંગ્રેસ) અને ચેતન ગજેરા (આપ) સહિત કુલ ૯ ઉમેદવારો મેદાનમાં છે.

૮૫- માણાવદર બેઠક માટે જવાહરભાઇ ચાવડા (ભાજપ), અરવિંદ લાડાણી (કોંગ્રેસ) કરશનભાઇ ભાદરકા (આપ) સહિત ૭ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે.

૮૭ - વિસાવદર બેઠક માટે હર્ષદ રીબડીયા (ભાજપ), કરશનભાઇ વાડોદરીયા (કોંગ્રેસ), ભુપતભાઇ ભાયાણી (આપ) સહિત પાંચ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ છે.

જયારે ૮૮ - કેશોદ બેઠકનાં ચુંટણી જંગમાં દેવાભાઇ માલમ (ભાજપ), નરાભાઇ જોટવા (કોંગ્રેસ) રામજીભાઇ ચુડાસમા (આપ) તેમજ અરવિંદ લાડાણી (અપક્ષ) સહિત કુલ ૭ ઉમેદવારો મેદાનમાં છે.

૮૭ - માંગરોળ બેઠકનો જંગ ભગવાનજીભાઇ કરગઠીયા (ભાજપ), બાબુભાઇ વાજા (કોંગ્રેસ) તથા પિયુષ પરમાર (આપ) સહિત કુલ છ ઉમેદવારો લડી રહ્યા છે.

આમાં કયા ઉમેદવારનો વિજય થશે તે અંગે અત્‍યારે કંઇપણ કહેવુ મુશ્‍કેલ છે તમામ રાજકીય પક્ષો, તેમના ઉમેદવારો, નેતાઓએ મતદારોને રીઝવવા માટે કોઇ કસર છોડી નથી. પરંતુ જુનાગઢ જિલ્લાના ૧૨૭૨૩૦૭ મતદારો મૌન ધારણ કરીને બેઠા હોય ઉમેદવારો વગેરેની મુંઝવણ વધી ગઇ છે.

જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે કુલ ૧૨૭૨૩૦૭ મતદારો નોંધાયેલા છે. જેમાં ૬૫૭૬૪૭ પુરૂષ, ૬૧૪૬૬૦ મહિલા, ૧૪૩૧૪ દિવ્‍યાંગ અને ૨૦ થર્ડ જેન્‍ડર જેતપુર સહિત અન્‍ય મતદારોનો સમાવેશ થાય છે. આ ચુંટણીમાં ૧૧૭૪૪ જેટલા યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે પાંચ બેઠકના ૫૦ ટકા મતદાન મથકનું લાઇવ વેબ કાસ્‍ટીંગની ગોઠવણ કરી છે સુચારૂ રીતે મતદાન પ્રક્રિયા યોજાય તે માટે ૫૩૮૪ કર્મચારીઓની સામે ૬૨૬૬ જેટલા કર્મચારીઓ છે. એટલે કે ૧૬ ટકા વધારે સ્‍ટાફ ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યો છે.

તેમજ જિલ્લાની પાંચ વિધાનસભા મતક્ષેત્રમાં એક-એક હેલ્‍થ અને એનિમલ હેલ્‍થ મતદાન મથક ઉભુ કરાયુ છે.

જુનાગઢ જિલ્લામાં આવતીકાલે મતદારો ભયમુકત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પાંચેય વિધાનસભા બેઠક ઉપર રેન્‍જ આઇજી મયંકસિંહ ચાવડા અને એસપી રવિ  તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં એસઆરપીએફની ૨૬ કંપની સહિત કુલ ૬ હજારથી વધુ જવાનોનો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

જુનાગઢ જિલ્લામાં કુલ ૧૩૪૭ મતદાન મથકો પૈકી ૩૩૬ સંવેદનશીલ અને ૧૭૮ મતદાન મથકો અતિ સંવેદનશીલ હોય જયાં બાજ નજર રાખવામાં આવી રહી છે

(4:10 pm IST)