Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભુજ અને અબડાસામાં દરોડા:બે શખ્સો ૧૮.૨૨ લાખની કિંમતના ૧૨ કિલો ચરસ સાથે ઝડપાયા

દરિયામાં તણાઈને આવેલા પેકેટનું વેચાણ કરવામાં આવતું હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો

અમદાવાદ :પશ્ચિમ કચ્છ એસઓજીએ ભુજ અને અબડાસાના સુથરીમાં દરોડા પાડી બે શખ્સોને ૧૮.૨૨ લાખની કિંમતના ૧૨ કિલો ચરસ સાથે ઝડપી પાડ્યાં છે દરિયામાં તણાઈને આવેલા પેકેટનું વેચાણ કરવામાં આવતું હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

અબડાસાના ભાચુંડા વાડી વિસ્તારમાં રહેતો મામદ હુસેન સમા નામનો શખ્સ ભુજના એરપોર્ટ રીંગ રોડ પર ખારી નદી ચાર રસ્તા પાસે ચરસનો જથ્થો વેચવાની તજવીજમાં છે. તેવી બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર ધસી જઈ મામદ સમાને દબોચી લીધો હતો. મામદના કબ્જામાંથી એસઓજીએ ૭ લાખ ૨૭ હજાર ૫૦૦ રૂપિયાની કિંમતનું ૪ કિલો ૮૫૦ ગ્રામ ચરસ કબ્જે કર્યું હતું. મામદ પાસે રહેલી બાઈક, મોબાઈલ ફોન પણ કબ્જે કરાયાં હતા.

મામદ સમાની પૂછતાછ કરતાં ચરસનો જથ્થો સુથરીમાં રહેતાં મુસ્તાક અલીમામદ સુમરા, કાસમ અલીમામદ સુમરા અને આમદ ઊર્ફે અધાયો ઉર્ફે ફન્ટી સીધીક મંધરા પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી એસઓજીની ટૂકડીએ સુથરી દોડી જઈ મુસ્તાકને ઝડપી પાડ્યો હતો. મુસ્તાક પાસેથી વધુ ૧૦.૯૫ લાખની કિંમતનો ૭ કિલો ૩૦૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, કાસમ સુમરા અને આમદ મંધરા પોલીસના હાથ લાગ્યાં નહોતા.

ચરસનો જથ્થો મુસ્તકે ગામમાં રહેતા વિજય સિધિક કોલી પાસેથી મેળવ્યો હતો. જો કે, વિજય પણ પોલીસના હાથ લાગ્યો નથી. વિજય પગડિયા માછીમાર છે. દોઢ-બે વર્ષ અગાઉ અબડાસાના સમુદ્રકાંઠે તણાઈ આવતાં મળેલાં બીનવારસી ચરસના પેકેટ તેણે વેચાણ હેતુ સંઘરી રાખ્યાં હતા તેવું તપાસમાં બહાર આવ્યું છે.

(9:35 pm IST)