Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

આલે..લે.. જામનગરના નાના થાવરીયા ગામમાં સ્થાનિક સરપંચના સ્થાનિક ઉમેદવાર જ નહિ !!

ગામમાં આગામી ૧૯ ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, તેમાં સ્થાનિક સમસ્યાઓ ઉપરાંત સરપંચના ઉમેદવાર જ નહીં મળતા સ્થાનિકો મુંઝવણમાં મુકાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ : ગુજરાત રાજયમાંઙ્ગ ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચુંટણી આવી રહી છે ત્યારે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ના સરપંચનો સંગ્રામ થવાનો છે. ત્યારે જામનગરન નાના થાવરીયા ગામે સ્થાનિક સમસ્યાઓ ઉપરાંત આખા ગામમાંથી કોઈ સરપંચ માટે ઉમેદવાર જ નથી. જે ચૂંટણી પહેલા જ એક મોટી સમસ્યા ઉભી થઇ છે.

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આ સરપંચ ના સંગ્રામમાં જામનગર તાલુકાનું નાના થાવરીયા ગામ કે જે આ વર્ષે આદિવાસી સીટ માટે અનામત છે. જયાં કોઈપણ આદિવાસી સમાજની વસ્તી નથી. જેથી સરપંચ માટે કોઇ ઉમેદવાર જ નથી.

જામનગર જિલ્લા અને તાલુકામાં આવેલા નાના થાવરીયા ગામમાં આ વર્ષે કુલ ૮ વોર્ડમાં ચૂંટણી થવાની છે. જેમાં ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ૮૧૯ લોકોની વસ્તી છે. જેમાં ૪૧૯ પુરૂષ અને ૪૦૦ મહિલાઓનો સમાવેશ થાય છે. ત્યારે આદિજાતિના ૪૫ લોકો હતા. ૨૪ પુરુષો અને ૨૧ સ્ત્રી હતી. પરંતુ હાલ કોઈ જ આદિજાતીના લોકો વસવાટ કરી રહ્યા નથી.

જામનગર તાલુકાના નાના થાવરીયા ગામના મતદારોની વાત કરવામાં આવે તો અંદાજીત ૬૩૫ જેટલા મતદારો છે. હાલ નાના થાવરીયામાં પટેલ સમાજ, રાજપૂત સમાજ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે હાલ કોઈ આદિજાતિની વસ્તી જ ગામમાં વસવાટ નથી કરતી ત્યારે નાના થાવરીયા ગામમાં ગટર, વાડી-ખેતરોના રસ્તા, પાણી સહિતની સ્થાનિક સમસ્યાઓ સાથે સરપંચના ઉમેદવારનો પેચીદો પ્રશ્ન પણ ઉભો છે. ત્યારે ગામમાં સરપંચ માટે સ્થાનિક ઉમેદવાર જ નથી. તો ૫ વર્ષ માટે ગામનો વિકાસ કેમ થશે? (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:41 pm IST)