Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ડેન્ગ્યુના દર્દીઓને પ્લેટલેટ્સ આપવા કચ્છમાં પ૩ર રકતદાતાઓએ નવેમ્બરમાં સ્વચ્છાએ રકતદાન કર્યુ

જી.કે.જન. અદાણી હોસ્પિ. દ્વારા નવેમ્બરમાં ૩,૧૦,૧૦૦ સીસી રકત એકત્રિત કર્યુ : કચ્છની સામાજીક સંસ્થાઓએ અને સ્વૈચ્છિક રીતે રકતદાતાઓ જોડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૩૦: અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં નવેમ્બર માસ દરમિયાન કુલ ૮૮૬  બોટલ અર્થાત ૩,૧૦,૧૦૦ સીસી રકત એકત્રિત કર્યું હતું. આ કાર્ય માટે કચ્છની જુદી જુદી  સંસ્થાઓ અને હોસ્પિટલની બ્લડબેંકમાં દાતાઓએ સ્વેચ્છાએ રકતદાન કરવામાં મહત્વનો  ફાળો રહ્યો છે. જેમાં ૫૩૨ બોટલ બ્લડબેન્ક ખાતે અને ૩૫૪ બેગ્સ સામાજિક સંસ્થાઓની  મદદથી રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.   

બ્લડબેંકના હેડ ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુના દર્દીઓ માટે  ફ્રેશ બ્લડની આવશ્યકતા હોવાથી ડેન્ગ્યુના દર્દીઓ માટે પ્લેટલેટ તૈયાર કરવા માટે એક જ  માસમાં ૫૩૨ રકતદાતાઓએ બ્લડબેંકમાં આવી સહયોગ આપ્યો હતો. એમના કારણે જ  ડેન્ગ્યુના દર્દીઓને જરૂરી પ્લેટલેટ્સ પૂરા પાડી શકાયા હતા.   

દરમિયાન બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યુ હતું કે, હોસ્પિટલના  ઇનહાઉસ ઉપરાંત સમગ્ર કચ્છના જુદા જુદા સ્થળોએથી સંસ્થાઓ મારફતે ૩૫૪ બેગ્સ એકત્ર  કરવામાં જી.કે.ને સહાયરૂપ થયા હતા.   

આ સંસ્થાઓમાં જવાહર નગર યુવક સંઘ દ્વારા ૧૧૧ બેગ્સ, લૂણીના નાગરિક  કિશોરભાઇ પિંગોરના જન્મદિન નિમિત્તે ૨૯ બોટલ, ઇંડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે  ટૂંડા ગામના સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાના સ્મર્ણાથે ૧૦૦ બોટલ તેમજ ઇંડિયન રેડક્રોસ  સોસાયટીના માધ્યમથી જ સચિન ગણાત્રાના જન્મદિન નિમિત્તે ૪૨ બોટલ રકત ભેગું  કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રી ગાયત્રી પરિવાર કોઠારા દ્વારા ૬૧ બોટલ રકત એકત્રિત  કરવામાં આવ્યું હતું.

(11:23 am IST)