Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર - કચ્છમાં ફૂંકાતા પવનના સૂસવાટા

ખેડૂતોમાં ચિંતા પ્રસરી : લગ્ન પ્રસંગોનું આયોજન કરનારા પણ મુંજાયા : સવારે - રાત્રે ઠંડક બાદ આખો દિવસ હુંફાળુ હવામાન

રાજકોટ તા. ૩૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર રૂતુના માહોલ વચ્ચે આજે સવારથી ઠંડા પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે.
જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ઉંનાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે. માવઠાની આગાહી વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે અને લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે.
કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતીત છે અને ફરી પાછા પાકને નુકસાન થવાની દહેશત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.
અરબી સમુદ્ર બાદ હવે દક્ષિણમાં અંદામાન પર લો-પ્રેશર જોવા મળ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સુધી રાજકોટમાં મહત્તમ તાપમાન વધુ જોવા મળશે. ત્યારબાદ ઠંડીનો પારો વધશે ગુરૂવાર સુધીમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે. વાદળો વિખેરાયા બાદ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે. સોમવારે રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો રવિવારની સરખામણીએ એક ડિગ્રી ઘટયો હતો અને આ દિવસે લઘુત્તમ તાપમાન ૧૮.૩ ડિગ્રી નોંધાયું છે. બપોરના સમયે ૩૨.૯ ડિગ્રી તાપમાન હતું. જે જ્યારે પવન ૧૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યાનુસાર હાલમાં દક્ષિણ-પૂર્વના પવન ફૂંકાય છે. જેને કારણે ગરમીનું પ્રમાણ દિવસમાં વધારે જોવા મળે છે. જ્યારે સામાન્ય દિવસોમાં શિયાળાની સિઝનમાં ઉંત્તર-પૂર્વના પવન ફૂંકાતા હોય છે. સવાર-સાંજ ઠંડીનો ચમકારો જોવા મળતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર : ભાવનગરમાં માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે અને લગ્ન સમારંભોનું આયોજન કરનારાઓ પણ મુંઝાયા છે.
આજે મંગળવારથી ત્રણ દિવસ ભાવનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે કારણ કે માવઠાની સીધી અસર શિયાળુ પાક પર થવા સંભાવના છે. જ્યારે લગ્નની સીઝન પૂરજોશમાં હોય ખુલ્લા પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભોનું આયોજન કરનારાઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. તંત્ર દ્વારા ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી, લઘુત્તમ ૧૭.૫ ડિગ્રી, ભેજ ૬૮ ટકા અને પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.


 

(10:45 am IST)