Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

આટકોટના મોટા દડવા ગામે રસ્તામાં ઢોર ચલાવવા પ્રશ્ને મારામારીમાં ચારને ઈજાઃ સામસામી ફરીયાદ

બન્ને પક્ષે સામસામો પથ્થરમારોઃ મકાન અને સોલારમાં નુકશાન

રાજકોટ, તા. ૩૦ :. આટકોટના મોટા દડવા ગામે રસ્તામાં ઢોર ચલાવવા પ્રશ્ને પટેલ અને ભરવાડ પરિવારો વચ્ચે મારામારી થતા બન્ને પક્ષના પાંચથી વધુ વ્યકિતઓને ઈજા થઈ હતી. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઈ છે.

મળતી વિગતો મુજબ મોટા દડવા ગામે રહેતા સામાભાઈ સિંધાભાઈ ભરવાડ તથા ડાયાભાઈ સવાભાઈ ભરવાડ તેના ઘરની ડેલી પાસે ઉભા હતા ત્યારે તે જ ગામના શંભુ બાવાભાઈ સાકરીયા, પ્રફુલ્લ બાવાભાઈ સાકરીયા, કાબા બાવાભાઈ સાપરીયા, દિલીપ બાવાભાઈ સાકરીયા, રાણાભાઈ બાવાભાઈ સાકરીયા, પૂના બાબુભાઈ વાસાણી, સુધીર શંભુભાઇ સાકરીયા, અંકિત શંભુભાઇ સાકરીયા તથા વિશાલ કાબાભાઇ સાકરીયા રે. તમામ મોટા દડવાએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી હાથમાં પથ્થરો લઇ કહેલ કે, તું તારા માલઢોર લઇને અહીં શેરીમાં તથા રસ્તામાં હાલતો નહિ તેમ કહી પથ્થરોના છુટા ઘા કર્યા હતાં. તેમજ સામાભાઇ ભરવાડ તથા ડાયાભાઇ ભરવાડને ઢીકાપાટુનો માર મારી જો પોલીસમાં ફરીયાદ કરીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત સામતભાઇ ભરવાડએ ઉકત ૯ શખ્સો સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સામા પક્ષે અંકિત શંભુભાઇ સાકરીયાએ તેજ ગામના સામા સિંધાભાઇ ભરવાડ, ડાયા સવાભાઇ ભરવાડ, મૌયાભાઇ કુંવરાભાઇ ભરવાડ, સામા મામૈયાભાઇ ભરવાડ, નિલેશ મામૈયાભાઇ ભરવાડ, કશા રત્નાભાઇ ભરવાડ, રામા રત્નાભાઇ ભરવાડ, રઘુ ઉકાભાઇ ભરવાડ તથા રામા ભરવાડના ભાઇ સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી સાહેદ પુનાભાઈ વસાણીના મકાનનુ કામ ચાલુ હોય ત્યારે રસ્તે ચાલવા બાબતે ઝઘડો કરી ફરીયાદ અંકિત તથા તેના પિતાને પથ્થરના છુટા ઘા કરી ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ મકાનમાં પથ્થરમારો કરી રૂમના બારીના કાચ તોડી તથા છત ઉપર સોલારમાં નુકશાન કર્યુ હતું.

આટકોટ પોલીસે બન્ને પક્ષની ફરીયાદ લઈ વધુ તપાસ પીએસઆઈ કે.પી. મેતા ચલાવી રહ્યા છે.

(12:46 pm IST)