Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ધ્રાંગધ્રામાં બચત કંપનીની બ્રાન્ચ દ્વારા અનેક લોકો સામે ઠગાઇ : કરોડોની ઉચાપત : ૯ શખ્સો સામે ગુન્હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦: ધ્રાંગધ્રા ખાતે ભાર્ગવી સોસાયટી પાછળ સોમનાથ સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં અને ધ્રાંગધ્રા શકિતચોક વસ્તારમાં આવેલ સરકાર માન્ય આરબીઆઈ માન્યતા પ્રાપ્ત યુવાનિધિ બચત કંપનીમાં એજન્ટ તરીકે જોડાયેલ મહિલા શોભનાબેન લાલજીભાઈ પનારાએ વર્ષ ૨૦૧૫માં કંપનીના એમડીની ઉપસ્થિતિમાં જોડાયા હતાં અને તેઓની સાથે અન્ય ૧૯ જેટલાં એજન્ટો અંદાજે શરૂઆતમાં ૩૫ ગ્રાહકોની ટીમ બનાવી હતી અને અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોના સેવીંગ્ઝ તેમજ ડેઈલી અને મંથલી ફિકસ ડિપોઝીટના એક થી પાંચ વર્ષ સુધીના ખાતાઓ ખોલી અંદાજે રૂ.૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની ફીકસ ડિપોઝીટી સ્કીમ શરૂ કરી હતી અને આ બચત કંપની દ્વારા અંદાજે ૭% જેટલું વ્યાજ આપવાની લાલચ તેમજ લાભાર્થીઓને સોના-ચાંદીના દાગીના, સ્થાવર મિલ્કત, રાષ્ટ્રીય બચત પત્રો, સરકારી કામકાજ, વિમા પોલીસ માટે લોન આપવાની જે તે સમયે લોભામણી જાહેરાતો કરી હતી અને અનેક ગ્રાહકોના ખાતા ખોલ્યા બાદ વર્ષ ૨૦૧૫થી માર્ચ-૨૦૧૮ સુધી કંપનીના નાણાકીય વ્યવહારો યોગ્ય રીતે ચાલતાં હતાં પરંતુ ત્યારબાદ યુવાનિધિ કંપની દ્વારા ફિકસ ડીપોઝીટના નાણા પાકતી મુદ્દતે પરત આપવામાં આવતાં નહોતા અને અનેક ગ્રાહકો તથા એજન્ટોને વારંવાર ધક્કા ખવડાવે છેકંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ યોગ્ય જવાબો આપતા નહોતા અને ઈન્કમટેક્ષનો પ્રશ્ન હોય ચુકવણીમાં વિલંબ થશે તેવું જણાવવામાં આવતું હતું. આમ અનેક વખત રજુઆતો બાદ પણ લોકોએ બચત પેટે જમા કરાવેલ રકમ ચુકવવામાં ન આવતાં મહિલા એજન્ટે બચત કંપનીના ચીફ એમડી, એમડી, એચઓડી, સીઓ, કેશીયર સહિત કુલ ૯ શખ્સો સામે રૂ. ૯.૭૧ લાખના વિશ્વાસદ્યાત અને છેતરપીંડી અંગે ગુન્હો દાખલ કરી ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં અનેક ગ્રાહકોએ નાણાની બચત થાય તે માટે વર્ષ ૨૦૧૫થી યુવાનિધિ બચત કંપનીમાં નાણા જમા કરાવ્યા હતાં. જેમાં અંદાજે ૪૦૦થી વધુ એજન્ટો સહિત ગ્રાહકોના અંદાજે રૂ.૩ કરોડથી વધુ જેટલી રકમ જમા કરાવ્યા બાદ તેને પરત ન આપી કંપનીના અધિકારીઓએ મોટાપાયે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ચર્ચાઓ વહેતી થવાં લાગી છે.

આ બારામાં (૧) અતુલકુમારસિંગ રાજપુત (ચીફ મેનેજીંગ ડાયરેકટર) (૨) સુરેન્દ્રસિંગ એસ.રાજપુત (એમ.ડી.) (૩) રવિન્દ્રસિંગ રામજીસિંગ (એમ.ડી.) (૪) મેહુલકુમાર વ્યાસ (એમ.ડી.) (૫) રાકેશ રાય (એચ.ઓ.ડી.) (૬) પી.કે.સિંઘ (સી.ઓ.) (૭) અંજલી તોમર (કેશીયર કમ કલાર્ક) (૮) સુશીલકુમાર શ્રીવાસ્તવ (ડેપ્યુટી એમ.ડી.) (૯) અજીત શ્રીવાસ્તવ (કેશીયર કમ કલાર્ક) તમામ રહે. અમદાવાદ સામે પોલીસમાં ફરીયાદ નોધાઇ છે.

(11:39 am IST)