Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

હર કામ દેશ કે નામ

કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત સ્વર્ણિમ વિજય વર્ષ ૧૯૭૧ની સાઇકલોથોન ચોથા ચરણમાં પહોંચી

રાજકોટ તા. ૩૦ : ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારતીય સૈન્ય દ્વારા બાંગ્લાદેશની મુકિત એ ઇતિહાસના પાનાઓમાં સોનેરી અક્ષરે લખાયેલો દિવસ છે. આ ઐતિહાસિક ઘટનાની સુવર્ણ જયંતિની ઉજવણી કરવા માટે યોજવામાં આવેલી સાઇકલોથોનના બકસરથી જલીપા સુધીના ચોથા ચરણનો પ્રારંભ ૨૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ઘમાં ભાગ લેનારા પીઢ યોદ્ઘા માનદ કેપ્ટન હીરસિંહ ભાટી (નિવૃત્ત્।)એ લીલીઝંડી બતાવીને રેલીને રવાના કરેલ. તેઓ તીથવાલ સેકટરમાં હાથ ધરાયેલા ઓપરેશન્સમાં સામેલ હતા. હાલમાં તેઓ નિવૃત્ત જવાનો માટેના સંગઠન થાર કે વીરના સંરક્ષક તરીકે સેવા આપી રહ્યાં છે.

બોગરા બ્રિગેડના જવાનોએ સાઇકલો પર સવાર થઇને બારમેર જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી ૨૨૦ કિમીનું અંતર કાપ્યું હતું. આ ટીમ એવા વિસ્તારોમાંથી પસાર થઇ હતી જયાં બારમેર સેકટરમાં ૧૯૭૧ના યુદ્ઘ દરમિયાન દાલી, ખિન્સાર, ચાચરો અને ગાદ્રા રોડના સૈન્ય દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને ચાચરો (૧૦ PARA SF) અને ગાદ્રા રોડ (૧ ગરવાલ રાઇફલ્સ) પર તેમનું યુદ્ઘ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ દરમિયાન ટીમે ૧૯૭૧ના યુદ્ઘ દરમિયાન આપણા શૂરવીર જવાનોના શૌર્ય અને બલિદાનનો સંદેશો ફેલાવ્યો હતો.

આ પ્રસંગની ઉજવણી માટે, ૧૯૭૧ના યુદ્ઘ દરમિયાન બસંતારના યુદ્ઘમાં પોતાની ઉત્ત્।મ ભૂમિકા બદલ મહાવીર ચક્રથી સન્માનિત લેફટેનન્ટ જનરલ હનુતસિંહને શ્રદ્ઘાંજલી પાઠવવા માટે અહીં જાસોલ ગામ દ્વારા પુષ્પાંજલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯૬૫ના યુદ્ઘમાં પોતાના દળોને સહકાર આપવા માટે મુનાબાઓ ખાતે વિસ્ફોટકોનું પરિવહન કરતી વખતે શહીદ થનારા ૧૭ રેલવે કર્મચારીઓના સન્માનમાં ગાદ્રા રોડ સ્મારક ખાતે પણ પુષ્પ માળાઓ અર્પણ કરવામાં આવી હતી. વધુમાં, ૧૯૭૧ના યુદ્ઘના સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી માટે બારમેર શહીદ સ્મારક ખાતે પણ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. યુદ્ઘના પીઢ જવાનો, વીર નારીઓ અને બારમેર તેમજ આસપાસના જિલ્લાના નિવૃત્ત્। સૈનિકોના સંપર્કના પ્રયાસોના ભાગરૂપે જલીપા મિલિટરી સ્ટેશન ખાતે તબીબી અને સહાયતા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જયાં તેમને જરૂરી તબીબી સહાયતા આપવામાં આવી હતી અને વેટેરન સેલના પ્રતિનિધિઓ, સ્ટેશન હેડકવાર્ટર્સ જલીપા અને જિલ્લા સૈનિક બોર્ડ, બારમેર દ્વારા તેમની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલવામાં આવ્યા હતા.

કોવિડની પરિસ્થિતિના કારણે જેઓ શિબિર સુધી નહોતા આવી શકયા તેમને ટેલિફોન કોલ કરીને તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમો આપણા દેશનું ગૌરવ જાળવવા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા બહાદુર જવાનોને ખરા અર્થમાં શ્રદ્ઘાંજલિ છે અને લાંબાગાળે સ્થાનિક યુવાનોને ભારતીય સૈન્યમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.

(11:31 am IST)