Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

દ્વારકા નગરપાલીકાના વિકાસકાર્યોનું કાલે સાંસદ પૂનમબેનના હસ્તે લોકાર્પણ

 દ્વારકા તા.૩૦ : દ્વારકા નગરપાલીકામાં આગામી ૧લી ડીસે. સ્થાનીય સાંસદ પૂનમબેન માડમ હસ્તે ૨૩.૪૮ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

નગરપાલીકાના ચીફ ઓફીસર ચેતન ડુડીયાએ જણાવ્યુ હતુ કે સમગ્ર ન.પા. વિસ્તારને સાંકળતી વાયફાય સીસીટીવી અને પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ નવનિર્મીત ન.પા. ભવન, નવનિર્મિત પામેલ રેલ્વે સ્ટેશન રોડ, ન.પા.નુ ડ્રેનેજ સીસ્ટમના સુએઝ ટ્રીટમેન્ટના કામોનું તા.૧લી ડીસે. ના કામોનુ સ્થાનીય સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ થશે.

ચીફ ઓફીસર ચેતન ડુડીયાએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનામાંથી નિર્માણ પામેલી છે. નગરસેવા સદનનું નિર્માણ ગુજરાત સરકાર અને ન.પા.ના સ્વભંડોળમાંથી નિર્માણ પામેલ છે. તમામ ચાર કામો ૨૩ કરોડ ૪૮ લાખના ખર્ચે નિર્માણ પામેલ હોવાનુ જણાવી ન.પા.ની વિકાસ યાત્રાને વણથંભી વિકાસ યાત્રા ગણાવી હતી.

આ ચારેય મિલકતો, સ્થાનીય લોકો તથા પ્રવાસીઓની સુખ સુવિધા માટે બનાવવામાં આવેલ હોય અને વર્ષોવર્ષ સુધી નાગરીકોની સુખસુવિધા જળવાય અને ઉપયોગી બને તે રીતે બનાવવામાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ. આ સાથે ન.પા.ના અન્ય વિકાસ કામોની પુર્વરેખા પ્રમાણે અગાઉના તબકકામાં વિકાસ કરાશે એમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

દ્વારકા ન.પા.ના પ્રમુખ જીતેશ એમ.માણેકે જણાવ્યુ હતુ કે રવિવારે સવારે હવન કર્યા બાદ નવનિર્મિત ન.પા. કચેરીનુ ઉદઘાટન કરાશે ત્યારબાદ દ્વારકા ન.પા.ના સફાઇ કર્મચારી દ્વારા જગતમંદિરે ધ્વજારોહણ થનાર હોય સફાઇકર્મચારીઓ દ્વારા ધ્વજાજીનું પૂજન કરાશે. વધુમાં જણાવતા કહ્યુ હતુ કે સફાઇ કર્મચારીઓ મોટાભાગે મધ્યમથી નબળા વર્ગના હોય તે પૈકીના ૯૦ ટકા સફાઇ કર્મચારીઓ દ્વારકામાં વર્ષોથી વસતા હોવા છતા ધ્વજાજીના પૂજનનો લાભ મેળવી શકયા ન હોય તેમના વચ્ચે જાહેરાત થતા તેઓમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

લોકાર્પણના દિવસે તમામ કાર્યો પુરા થયા બાદ રાત્રે ભોજન પ્રસાદનુ પણ આયોજન કરાયુ હોવાનુ જણાવી આ લોકાર્પણ પ્રસંગમાં સામિલ થવા સમગ્ર દ્વારકાવાસીઓને જીતુભા માણેકે ન.પા. વતી અપીલ કરી છે

(12:01 pm IST)