Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જૂનાગઢ ધર્મશાળામાંથી નાશી ગયેલ કોરોના પોઝીટીવ દર્દી ફરી ઝડપાયો

વંથલીના બંટીયા ગામેથી ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૩૦: ભવનાથ ખાતે રાખવામાં આવેલ કોરોના પોઝીટીવ કેદી ના નાસી જવાના બનાવની ગંભીરતા ધ્યાને લઇ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ભવનાથ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ટેકિનકલ સેલની જુદી જુદી ચાર ટીમો બનાવી, તાત્કાલિક નાસી ગયેલ આરોપી રાજુ તેરસિંગ નેશરતા આદિવાસીને સઘન તપાસ હાથ ધરી, તાત્કાલિક પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી..

જુનાગઢ પોલીસની જુદી જુદી ચાર ટીમોની સઘન તપાસ દરમિયાન આરોપી રાજુ તેરસિંગ નેશરતા ઉવ. ૨૩ રહે. સીમડીયા ગામ તા. ઝાલોદ જી. દાહોદનો ભૂતકાળ તપાસતા, આરોપીના મામા વંથલી ખાતે બંટીયા ગામ ખેત મજૂરી કરતા હોય, ડીવાયએસપી કચેરીના ટેકિનકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેકિનકલ સોર્સથી મળેલ માહિતી આધારે ભવનાથ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફના હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, રામદેભાઈ, યુસુફભાઈ, પો.કો. દીપકભાઈ, સંદીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા વંથલી તાલુકાના બંટીયા ગામની સીમમાંથી આરોપી રાજુ તેરસિંગ નેશરતાને ગણતરીના કલાકોમાં પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી રાજુ તેરસિંગ નેશરતાની પૂછપરછ કરવામાં આવતા, પોતાને જેલમાં કોરોના પોઝીટીવ આવેલ હોઈ અને પોતાને વહેમ હતો કે, કોરોના પોઝીટીવ કેદીને ઇન્જેકશન મારીને મારી નાખવામાં આવે છે, જેથી પોતાને મારી નાખશે, તેવી બીકે રાત્રે નીંદર આવતી ના હોઈ, રાત્રીના સમયે રૂમની આવેલ બારીના સળિયા કાઢી, બારી તોડી, નાસી ગયેલાની સ્ફોટક કબૂલાત કરવામાં આવેલ હતી. આરોપીને સમજાવી માનસિકતા દૂર કરી, કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરાવવાથી કોરોના મટે છે, એવું સમજાવવામાં પણ આવેલ હતું. આરોપી રાજુ તેનસિંગ નશેરતા આદિવાસીનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવતા નેગેટિવ આવેલ હતો અને આરોપીને વિશ્વાસ પણ આવેલ હતો.

(12:40 pm IST)