Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજુલામાં કોરોના બે ને ભરખી ગયો : ભાવનગર -૪૦ , કચ્છ-૨૪ , મોરબીમાં ૧૭ કેસ

કચ્છમાં દર્દીઓની આંક ૨૧૦૦ને પાર કરતા નવા પાંચ કોવિડ સેન્ટર શરૂ : મોરબીમાં નવા કેસો કરતાં રીકવરી રેટ વધુ થઇ ગયો

રાજકોટ,તા. ૩૦: માત્ર મોટા શહેરોમાં જ કોરોનાનો કહેર છે. એવું નથી પણ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ દર્દીઓ નિકળી રહ્યા છે એ કે પ્રજાએ જે સાવચેતી રાખવી જોઇએ તે રાખતા નહીં હોવાનું પણ બહાર આવેલ છે.

રાજુલામાં કુલ ૧૩૫ કેસ :  ૧૨૨ ડિસ્ચાજ

કોરોનાની દેશભરમાં દેહશત જોતા ઘણા લોકો સામાન્ય વાયરલ ઇન્ફેકશનના કારણે બીમાર હોય છતા મને કોરોના તો નથી ને એવા ભયના કારણે બીજી અન્ય બિમારીઓનો શિકાર બને છે ઘણા લોકો સિવિલ હોસ્પિટલમાં જતા નથી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ શરદી તાવ હોય તો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે જે દર્દીઓના ભલા માટે છે જો પ્રથમ સ્ટેજમાં સારવાર મળી જાય તો ઝડપથી દર્દી સાજા થઈ જાય પરંતુ લોકો પ્રાઇવેટ દવાખાને જઈ સારવાર મેળવે છે અને મસમોટા બિલ ભરવા પડે છે અને પરિવાર નિચોવાઈ જાય છે.

રાજુલામાં કોરોના ના અત્યાર સુધીમાં ૧૩૫ કેસ નોંધાયા છે જેમાં હાલ ૧૧ કેસ સારવાર હેઠળ છે બેના મૃત્યુ થયા છે જયારે ૧૨૨ દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા સમગ્ર કામગીરી માં હેલ્થ ઓફિસર નિલેશભાઈ કળસરિયા, સંજયભાઈ દવે, હરેશભાઈ જેઠવા, વિનુભાઈ કળસરિયા, ડોકટર ખુમાણ, તથા નર્સનો સ્ટાફ દ્વારા દર્દીઓની ખૂબ જ કાળજીપૂર્વક સારવાર થઈ રહી છે આ લોકોની કામગીરીને જોતા ભાજપ શહેર પ્રમુખ પરેશભાઈ લાડુમોર, રવુભાઈ ખુમાણ, આશિષભાઈ વાવડીયા, મયુરભાઈ દવે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ સમગ્ર કામગીરીને બિરદાવી હતી.

ભાવનગરમાં ૪૦ : ૩૮૯ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરઃ જિલ્લામા વધુ ૪૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૧૪૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ભંડારીયા ગામ ખાતે ૧, વરતેજ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ખરકડી ગામ ખાતે ૧, જેસર તાલુકાના પા ગામ ખાતે ૧, જેસર તાલુકાના દેપલા ગામ ખાતે ૧, જેસર ખાતે ૨, મહુવા ખાતે ૫, મહુવા તાલુકાના મોટા આસરાણા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે ૧, ભદ્રાવળ ગામ ખાતે ૧, પીંગળી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામ ખાતે ૧ તેમજ  પાટણા ગામ ખાતે ૨ કેસ મળી કુલ ૨૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે  મહાનગરપાલિકા વિસ્તારના ૨૩ અને તાલુકાઓના ૭ એમ કુલ ૩૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૧૪૧ કેસ પૈકી હાલ ૩૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૬૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૬ દર્દીઓના અવસાન થયેલ છે.

પોઝિટિવ દર્દીઓ અને મોતના આંકડાઓની લુકાછૂપીનો ખેલ

ભુજઃ કચ્છમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. વધુ ૨૪ દર્દીઓ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૧૦૦ ને પાર કરી ૨૧૦૮ ઉપર પહોંચ્યો છે. જયારે ૩૮૬ દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૬૧૩ દર્દીઓ સાજા થયા છે. જયારે સરકારી ચોપડે ૬૫ મોત દર્શાવાયા છે. જોકે, છેલ્લા જે આંકડા જાહેર કરાયા છે, તે પ્રમાણે બિનસત્ત્।ાવાર મોતનો આંકડો ૧૦૯ થવા જાય છે. કચ્છમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, તે જોતાં તંત્ર પણ દોડતું થયું છે. નવા ૫ કોવિડ સેન્ટર કાર્યરત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

નખત્રાણામાં ચૈતન્ય સ્વરુપ આશ્રમ હરિહર સનાતન ટ્રસ્ટ મધ્યે ૨૫ બેડ, રાપરમાં મોડેલ સ્કુલ મધ્યે ૫૦ બેડ, ગાંધીધામમાં ભાનુશાલી મહાજન સરોવર મધ્યે ૧૦૦ બેડ, કોડાય સ્વામિનારાયણ ગુરુકુળમાં ૬૦ બેડ, માધાપર યક્ષ મંદિર મધ્યે ૧૦૦ બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે રહેશે. અત્યારે ૧૩ કોવિડ સેન્ટરમાં ૩૩૫ બેડની સુવિધા છે. જોકે, અત્યારે અનેક દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહીને ઘેર સારવાર મેળવી રહ્યા છે.

મોરબી જીલ્લામાં ૩૦ દર્દીઓ ર્ડીસ્ચાર્જ

 મોરબીઃ  જીલ્લામાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી તરફ રીકવરી રેટ વધી રહ્યો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે આજે કોરોનાના નવા ૧૭ કેસો નોંધાયા છે જેની સામે ૩૦ દર્દીઓ ડીસ્ચાર્જ કર્યા હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે.

મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૧ કેસમાં ૦૬ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં જયારે માળિયા તાલુકામાં ૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં મળી ને કુલ ૧૭ કેસો નોંધાયા છે નવા ૧૭ કેસો સાથે કુલ કેસનો આંક ૧૬૮૯ થયો છે જેમાં ૨૩૮ એકટીવ કેસ છે જયારે ૧૩૬૨ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:14 am IST)