Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કલ્યાણપુરના લાંબા ગામમાં ૧૪ ઇંચ વરસાદ : ખેતરોમાં ૪-૪ ફુટ પાણી

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બારેમેઘ ખાંગા : જામરાવલમાં એનડીઆરએફની ટીમ દોડી ગઇ : નવરાત્રીમાં વરસાદનું વિધ્ન : ઘી ડેમ છલકાયો

ખંભાળીયા, તા. ૩૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેથી માંડીને ૧૪ ઇંચ જેટલો ભારે વરસાદ એકજ દિવસમાં પડતા પાણી પાણી થઇ ગયું હતું.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે જિલ્લામાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વરસાદને કારણે આખું ગામ તળાવ, નદીમાં ફેરવાયું હતું તો લાંબાની સીમના ખેતરોમાં ચાર-ચાર ફુટ પાણી ભરાતા પાકના બદલે ખેતરમાં તળાવની સ્થિતિ નિર્માણ થઇ હતી.

દેવભૂમિ જિલ્લાના તમામ તાલુકાઓ માં ભાણવડ તાલુકામાં સૌથી વધુ તેર ઇંચ વરસાદ પડયો હતો. જો કે દ્વારકા વિસ્તારમાં માત્ર ૪૩ મીમી વરસાદ પડયો હતો જયારે ખંભાળીયા પંથકમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે ખંભાળીયા શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતાં.

વિસોત્રી ગામે ભારે વરસાદને કારણે ગામ ફરતા પાણી ફરી વળતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો તો ઘી નદીમાં પૂર આવતા ત્યાંથી નિકળતી નદી બેકાંઠે જતી હતી.

કલ્યાણપુર તાલુકામાં આઠથી ચૌદ ઇંચ વરસાદ પડતા સર્વત્ર વરસાદથી મહેરને બદલે કહેરની સ્થિતિ થઇ હતી. કેટલાક ગામોમાં ૧૦-૧ર ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા હતાં તો અનેક ગામોમાં વાહન વ્યવહાર પણ બંધ થઇ ગયો હતો.

કલ્યાણપુર તાલુકાના જામરાવળ ગામે વર્તુ-ર તથા સાનીના દરવાજા ખોલતા પાણી સમગ્ર ગામ ફરતું ફેલાઇ ગયું હતું તથા પાણી ગામમાં ઘુસતા સ્થિતિ વિકટ થતા એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી તથા પ૦ જેટલા વ્યકિતનું સ્થળાંતર કરાવાયું હતું તથા પાલિકા કચેરીમાં તેમને આશ્રય આપીને ભોજન રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. નાયબ કલેકટર પાર્થ કોટડીયા, મામલતદાર વિવેકભાઇ તથા ટી.ડી.ઓ. વિ. પહોંચી ગયા હતા તથા પાણીના નિકાલ માટે તજવીજો કરી હતી.

પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ લાંબા વિસ્તારમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડતા પાણી હર્ષદની મેઇન બજાર સુધી ઘુસી ગયા હતાં તથા મંદિર પાસે પણ આવી પહોંચ્યા હતાં.

જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવેલ કે જિલ્લામાં પડેલા ચૌદ ઇંચ સુધીના ભારે વરસાદ છતાં કોઇ મોટો બનાવ બન્યો નથી તથા તંત્ર દ્વારા નુકશાનની વિગતો મેળવાઇ રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તથા જિ.શિ. દ્વારા જિલ્લામાં શાળાઓ કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી હતી. જોકે આજે સૂર્ય પ્રકાશિત વાતાવરણ રહેતા લોકોએ રાહતનો દમ લીધો છે. ગઇકાલે ખંભાળીયામાં ભારે વરસાદથી મહાપ્રભુજી બેઠક, નગર ગેઇટ, જોધપુર ગેઇટ, નગર ગેઇટ તથા વાડી વિસ્તારોમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા.

તાલુકા વડત્રા ગામે ભારે વરસાદ પડતા ગામના તમામ તળાવો છલકાઇ ગયા હતાં તો હાઇવે પર તળાવ છલકાતા પાણી રોડ સુધી પહોંચ્યા હતાં.

નવરાત્રીના પ્રથમ દિને જ અત્યંત ભારે વરસાદ સતત ચાલુ રહેતા નવરાત્રીનો માહોલ જામ્યો ના હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડની ગરબી સહિત શહેરની તમામ ગરબીઓ બંધ રહી હતી તથા માત્ર આરતી કરીને તમામે ગરબી બંધ રાખી હતી.

ખંભાળીયામાં ૪પ ઇંચ વરસાદ પછી પણ ઘી ડેમ છલકાયો નહતો તે ગઇકાલે છ ઇંચ વરસાદ પડતા રાત્રે સાડા આઠે ઓવરફલો થયો હતો અને એક તબક્કે પોણા બે ફુટ ઓવરફલો થતાં ઘી નદીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં તો નદીમાં પૂર આવ્યું હતું.

ઘી ડેમની ઉપરવાસના કોટા, તથીયા, લીલીયા, માંઝા, કંડોરણા, બજાણા વિ. ગામોમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પૂર આવતા ગઇકાલે એકજ દિવસમાં ૧રાા ફૂટની ઘી ડેમની સપાટી હતી તે ર૦ ફુટ પહોંચી ઓવરફલો થયો હતો. ભારે વરસાદથી રામનાથ ખામનાથ ઘી નદી પણ બેકાંઠે થઇ હતી તો ચેકડેમ ઉપરથી પાણી વહેતું થયું હતું.

(3:51 pm IST)